મહેસાણા જિલ્લાના આંબલીયાસણ સ્ટેશન નજીક આવેલા મહાદેવના મંદિર ખાતે અનુસૂચિત જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતી અટકાવવામાં આવી હોવાના આક્ષેપથી ચકચાર મચી છે. આ મામલે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ પોક્સોની જાગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, યુવતી મંદિર ખાતે દર્શન માટે ગઈ હતી ત્યારે આરોપીઓએ તેને મંદિરમાં પ્રવેશતા અટકાવી હતી. ત્યારબાદ આરોપીઓએ યુવતીને તેની જાતિ અંગે અપમાનજનક ભાષા બોલવામાં આવી હતી. તેમજ ગાળો પણ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત, ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે આરોપીઓએ ફરિયાદીની નાની બહેન સાથે અડપલાં કર્યા હતા. બોલાચાલીમાં મામલો વધુ ઉગ્ર બનતાં આરોપીઓએ બંને યુવતીઓ સાથે ઝપાઝપી કરી હતી. દરમિયાન યુવતીઓને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.ઘટનાને પગલે યુવતી દ્વારા લાંઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ત્રણ આરોપીઓ સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની જાગવાઈઓ ઉપરાંત પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના સંજાગો અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી છે.








































