રાજુલાના છતડિયા ગામના ખેડૂતો બારૈયા પ્રકાશભાઈ જાદવભાઈ અને બારૈયા કરશનભાઈના ખેતરમાં છેલ્લા બે વર્ષથી પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇનમાં સતત લીકેજ થવાના કારણે ખેતી અને પાકને ભારે નુકશાની થઈ રહી હોવાનું સામે આવ્યું છે. બંને ખેડૂતોની અંદાજે ૧થી ૨ વિઘા જમીનમાં દર વર્ષે પાકને નુકશાન થતું હોવાની રજૂઆત રાજુલા-જાફરાબાદ ખેડૂત સંકલન સમિતિએ પાણી પુરવઠા વિભાગ સમક્ષ કરી હતી. સમિતિએ નાયબ કાર્યપાલક ઈજનેર ઢાકેચા સમક્ષ ખેડૂતોને પાક નુકશાનીનું યોગ્ય વળતર ચૂકવવા તેમજ લીકેજ પાઇપલાઇનનું તાત્કાલિક અને કાયમી રિપેરિંગ કરવાની માંગ કરી હતી. અધિકારીએ હકારાત્મક પ્રતિસાદ આપતા જરૂરી કાર્યવાહી અને વળતરની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાની ખાતરી આપી હતી. સમિતિએ જણાવ્યું કે ખેડૂતોના હિત માટે તેઓ સતત લડત આપતા રહેશે.









































