દામનગરમાં ઘર નજીક ગાળો બોલવા બાબતે બે પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી અને સામાસામી ફરિયાદ નોંધાઈ હતી.પ્રથમ ફરિયાદમાં કેવલભાઇ મનોજભાઇ ચાવડીયા (ઉ.વ.૧૮)એ કેવલભાઇ ચેતનભાઇ મકવાણા, ચેતનભાઇ ભુપતભાઇ મકવાણા, મનિષાબેન ચેતનભાઇ મકવાણા તથા રૂપાબેન ભુપતભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, એકાદ મહિના પહેલાં તેની બહેનની કેવલભાઈ ચેતનભાઈ મકવાણા મશ્કરીચાળા કરે છે તેની જાણ તેને થઈ હતી. આ અંગે તેમના તથા કેવલભાઈ મકવાણા વચ્ચે જે-તે સમયે બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખી તેઓ પોતાના મિત્રો સાથે ગામમાં બેસવા નીકળ્યા ત્યારે સામા પક્ષના ઘર પાસેથી પસાર થતાં આરોપીઓએ ગાળો આપી હતી. જેથી ફરિયાદી પોતાના કાકા (સાક્ષી)ને બોલાવી લાવ્યા હતા. “કેમ ગાળો આપો છો?” તેમ કહેતાં આરોપીઓએ સાક્ષીને પકડી રાખી કુહાડી વડે માથાના ભાગે બે ઘા માર્યા હતા. ત્રીજો ઘા મારવા જતાં ફરિયાદીએ કુહાડી આંચકી લેતાં ઝપાઝપી થઈ હતી, જેમાં તેમને માથામાં ટાંકા આવ્યા હતા તેમજ શરીરે મૂંઢ ઇજા પહોંચી હતી.સામા પક્ષે મનિષાબેન ચેતનભાઇ મકવાણા (ઉ.વ.૪૧)એ શૈલેષ ઉર્ફે ડોન ચકાભાઇ ચાવડીયા, કેવલભાઇ મનોજભાઇ ચાવડીયા, વર્ષાબેન શૈલેષભાઇ ચાવડીયા તથા અસ્મિતાબેન ઉર્ફે ચકુ મનોજભાઇ ચાવડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમના જણાવ્યા મુજબ, શૈલેષ ઉર્ફે ડોન ચકાભાઇ ચાવડીયા તેમના ઘર નજીક અવારનવાર ગાળો બોલતો હોવાથી તેને ગાળો બોલવાની ના પાડી હતી. આશરે એકાદ મહિના પહેલાં તેમના દીકરાને અને કેવલભાઈ ચાવડીયાને રમવા બાબતે બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખી તેઓ ઘર પાસે આવી ગાળો બોલતા હતા. ગાળો દેવાની ના પાડતાં તેમણે માથામાં લોખંડનો પાઇપ મારી ટાંકા આવે તેવી ઇજા પહોંચાડી હતી તથા ગાળો આપી હતી.આ અંગે દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.