રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ સિવાયના બિન-પાત્ર લોકો દ્વારા રેશનકાર્ડ પર અનાજ મેળવવાની ફરિયાદોને ધ્યાને લઈ, પૂર્વ મંત્રી બાવકુભાઈ ઊંધાડે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને મહત્વની રજૂઆત કરી છે. તેમણે સરકારી ખરીદી, ટ્રાન્સપોર્ટેશન અને ગોડાઉન સંગ્રહના થતા મોટા ખર્ચને બચાવવા માટે અનાજ વિતરણના બદલે તેટલી રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવાની માંગ કરી છે, જેમ પોંડીચેરી અને ચંડીગઢમાં અમલમાં છે. પત્રમાં જણાવાયું છે કે ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૩ના પરિપત્ર મુજબ કડક અમલવારી થતી ન હોવાથી ખોટા લોકો આ લાભ મેળવી રહ્યા છે. આથી, બિન-પાત્ર લાભાર્થીઓની ચોક્કસ ઓળખ માટે રેશનકાર્ડને આરટીઓ, ઈન્કમટેક્સ, જીએસટી, એરપોર્ટ ડેટા અને ૭/૧૨ના સોફ્‌ટવેર સાથે લિંક કરવા પરિપત્રમાં સુધારો કરવાની માંગ કરી છે. આ પત્ર પુરવઠા મંત્રી અને સચિવોને પણ પાઠવવામાં આવ્યો છે.