આખા ગુજરાત ભર સહિત વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ છેલ્લા ૨ દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે પરિસ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. ખાસ કરીને વડોદરાના ગોત્રી નજીક આવેલા ભાયલી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલના અભાવે મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે. ગામનું તળાવ ભયજનક સપાટી વટાવીને છલકાઈ જતાં પૂર જેવા પાણી સોસાયટીઓ અને ઘરોમાં ઘૂસી ગયા છે. પાણીની સાથે લોકોના ઘરોમાં સાપ, નોળિયા અને માછલાં ઘૂસી આવતાં સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી અને ફફડાટ વ્યાપી ગયો છે.
ભારે વરસાદને કારણે વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા સરદારનગરમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર બની છે. ઘરોની અંદર બેથી ત્રણ ફૂટ પાણી ભરાવાની સાથે ઝેરી સાપ તરતા દેખાતાં પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જીવના જાખમે ઘરોની અંદર રહેવું અશક્ય બનતાં નાગરિકો નાના બાળકો-મહિલાઓ અને વૃદ્ધો સાથે ઘરની બહાર નીકળીને સુરક્ષિત જગ્યાએ આશરો લેવા મજબૂર બન્યા છે. આ રીતે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકોમાં ભયનો માહોલ છે.
પ્રાથમિક સુવિધાઓના અભાવે અકળાયેલા સરદારનગરના સ્થાનિક રહેવાસીઓએ તંત્ર અને સ્થાનિક કોર્પોરેટર સામે ભારે રોષ ઠાલવ્યો છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “સરદારનગરમાં ઘણા વર્ષોથી રસ્તા, ગટર કે સ્ટ્રીટ લાઈટ જેવી કોઈ સુવિધા નથી. સામાન્ય વરસાદમાં ગટરો ઉભરાઈ જાય છે અને રસ્તાઓ ગાયબ થઈ જાય છે. વડોદરા મહાનગરપાલિકામાં અનેકવાર અરજીઓ આપી હોવા છતાં કોઈ જ નિરાકરણ આવતું નથી. આટલી વિકટ પરિસ્થિતિમાં પણ કોઈ કોર્પોરેટર કે તંત્રનો અધિકારી અમારી મદદ આવ્યા નથી.”
નોંધનીય છે કે, હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર, વડોદરા જિલ્લામાં ગત ૨૪ કલાક દરમિયાન (૨૪ જુલાઈ સવારે ૬ વાગ્યાથી ૨૫ જુલાઈ સવારે ૬ વાગ્યા સુધી) સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં વડોદરા શહેરમાં સૌથી વધુ ૨.૨૦ ઇંચ વરસાદ ખાબક્યોં છે. આ સિવાય ડભોઈ તાલુકામાં ૨.૦૧ ઇંચ, પાદરામાં ૧.૬૫ ઇંચ, શિનોરમાં ૧.૪૨ ઇંચ, વાઘોડિયામાં ૧.૧૮ ઇંચ, કરજણમાં ૧.૦૬ ઇંચ અને સાવલી તાલુકામાં ૧.૦૨ ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે.
હાલ ભાયલીના રહીશોએ પાલિકા તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર પાસે તાત્કાલિક ધોરણે પાણી નિકાલ કરવા, દવાઓનો છંટકાવ કરવા અને રાહત કામગીરી શરૂ કરવાની ઉગ્ર માંગ કરી છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ઘરોમાં રહેલું અનાજ અને કિંમતી સામાન પલળીને બગાડ પામ્યો છે, ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા તાકીદે ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમો મોકલીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.








































