પાટણ શહેરની એક હોટલમાંથી મળી આવેલી મહિલાની લાશના મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રેમલગ્ન કરનાર પતિએ જ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ હાલમાં હત્યારા પતિ અને તેના સાથીદારને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદની રહેવાસી શ્રેયા પટની નામની યુવતીની પાટણની હોટલ ‘૮૯’ના એક રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શ્રેયાની તેના જ પતિએ ગળું દબાવીને ઘાતકી હત્યા કરી નાખી હતી. પ્રેમલગ્નના પવિત્ર સંબંધોને લજવતો આ કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે.
હોટલના સ્ટાફ પાસેથી મળેલી વિગતો અનુસાર, દંપતી હોટલના રૂમમાં માત્ર બે કલાક જેટલો સમય જ રોકાયું હતું. આ ગાળા દરમિયાન પતિએ પત્નીની હત્યા નિપજાવી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી પતિ હોટલના સંચાલકને એવું કહીને નીકળ્યો હતો કે, “હું ફોન કરું ત્યારે જ રૂમનો દરવાજા ખોલજા.” આટલું કહીને તે પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. હોટલ સ્ટાફને શંકા જતાં રૂમ તપાસતા શ્રેયાનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ પાટણ પોલીસ અને હ્લજીન્ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ સહિતના તમામ વૈજ્ઞાનિક પુરાવાઓ એકઠા કરીને આગળની તપાસ હાથ ધરી છે.
હાલમાં આ ઘાતકી હત્યાના ગુનામાં પતિ સહિત બે વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી પતિ અને તેની સાથે સંડોવાયેલા અન્ય એક અજાણ્યા શખ્સને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ૫ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રેમલગ્ન બાદ કયા કારણોસર પતિએ આટલું મોટું પગલું ભર્યું તે આરોપીઓની ધરપકડ બાદ જ સ્પષ્ટ થશે.