શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત આયોજિત ૧૬૯ માં ‘થર્સ-ડે થાટ’ કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળા અને એની ઝડફિયાએ સાઉન્ડ હીલિંગ તથા માનસિક સ્વાસ્થ્ય અંગે વિચારપ્રેરક વક્તવ્ય આપ્યું હતું. જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે યોજાયેલા આ સત્રમાં કાનજીભાઈએ સ્પષ્ટ કર્યું કે દવાથી રોગ મટે છે, પરંતુ મનની શાંતિ અને હીલિંગથી માણસ આંતરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ બને છે. ધ્વનિ, કંપન અને લયબધ્ધ સંગીતથી તણાવ ઘટે છે અને નિર્ણયશક્તિ વધે છે. તેમણે ‘સાઉન્ડ હીલિંગ પંચામૃત’ રજૂ કરી પ્રકૃતિ શ્રવણ, ૐકાર, શ્વાસોશ્વાસનું ધ્યાન, મૌન અને ધીમા સંગીતનો જીવનશૈલીમાં સમાવેશ કરવા ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ઉદ્યોગપતિ બાબુભાઈ રાખોલીયા તરફથી ઓરડા માટે રૂ. ૭.૫૦ લાખનો સહયોગ મળ્યો હતો, જે બદલ ટ્રસ્ટીઓએ તેમનું અભિવાદન કર્યું હતું. ઉપરાંત, રોહિતભાઈ મારફતિયા રચિત પુસ્તક ‘જરા યાદ કરો કુરબાની’ ની આવક અને વિવિધ શાળાઓ તથા દાતાઓ તરફથી પ્રાપ્ત રૂ. ૪.૧૪ લાખથી વધુની રકમ જય જવાન નાગરિક સમિતિને વીર જવાનોના પરિવાર કલ્યાણ અર્થે અર્પણ કરવામાં આવી હતી. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમો અને વિચારોના વાવેતર વિશે વધુ જાણવા માટે આ વિડીયો ઉપયોગી થશે.








































