અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ PWD હેઠળ ચાલતા રોડ-રસ્તાના કામોમાં હલકી ગુણવત્તા અને નબળી કામગીરીને લઈને પ્રજાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ચિતલ રોડ પર માંડ એક મહિના પહેલા જ કરોડોના ખર્ચે બનેલા નવા ઇઝ્રઝ્ર રોડ પર ઠેર-ઠેર મોટી તિરાડો પડી જતાં સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અગાઉ લાઠી રોડ પર પણ અત્યંત નબળી કામગીરીને કારણે આખો રોડ તોડીને ફરી બનાવવાની ફરજ પડી હતી. હવે એ જ ભ્રષ્ટાચારનું પુનરાવર્તન ચિતલ રોડ પર જોવા મળ્યું છે. રોડની દયનીય સ્થિતિ સામે આવતાં જ જાગૃત નાગરિકોની વ્યાપક ફરિયાદોને પગલે તંત્ર સફાળું જાગ્યું છે. PWD દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારીને પોતાના જ ખર્ચે ચારથી વધુ સ્થળોએ રોડ તોડીને નવેસરથી બનાવવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે.સરકારી નાણાંનો દુરુપયોગ અને વારંવારની નબળી કામગીરીને લીધે અમરેલીના શહેરીજનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. પ્રજાજનોએ માત્ર નોટિસ આપીને કામ પૂરું કરવાને બદલે, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને બેદરકાર અધિકારીઓ સામે દાખલારૂપ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ઉગ્ર માગ કરી છે.