જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો, મોબાઇલ ફોન અને એકટિવા સહિત કુલ રૂ. ૭૮,૯૦૦ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. જ્યારે દારૂના સપ્લાયર અને મંગાવનારને ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.જામનગરના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.દરમિયાન એલસીબી સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા તથા ભયપાલસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે જામનગર શહેરના ખોડીયાર કોલોની, રાજ ચેમ્બર પાસે રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં ધીરેનભાઈ ઈન્દ્રજીતભાઈ ચંદન, જાતે સિંધી લોહાણા, ઉ.વ. ૨૮, ધંધે મજૂરી, રહે. સાધના કોલોની પાછળ, જડેશ્વર પાર્ક, શેરી નં. ૧, મકાન નં. ૧, જામનગરને તેના ટીવીએસ જ્યુપિટર (રજી. નં. જી.જે. ૧૦ ઈ.જે. ૭૨૩૩) સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ૨૩૯ ચપલા, કિંમત રૂ. ૨૩,૯૦૦, એક મોબાઇલ ફોન કિંમત રૂ. ૫,૦૦૦ તથા ટીવીએસ જ્યુપિટર કિંમત રૂ. ૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૭૮,૯૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો રામ જીવાભાઈ મોઢવાડિયા, રહે. નાઘેડી ગામ, તા. જી. જામનગર પાસેથી લાવવામાં આવ્યો હોવાનું તેમજ તે રીટાબેન હીતેન્દ્રસિંહ જાડેજા, રહે. રાજ ચેમ્બર પાસે, જામનગર માટે મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. બંને ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.









































