ગટરના ગંધાતા પાણીને કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નિકળવાની શક્યતા
સાવરકુંડલા શહેરના જેસર રોડ પર આવેલા વોર્ડ નંબર ૮ અને વોર્ડ નંબર ૩ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ગટરના ગંદા પાણી રસ્તાઓ પર વહેતા હોવાના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સતત વહેતા ગંદા પાણીને કારણે સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. મંગલમ સોસાયટી, પટેલ સોસાયટી, મધુવન સોસાયટી તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો રોજબરોજ દુર્ગંધ, ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી પરેશાન થઈ ગયા છે.આ વિસ્તાર રાજકીય રીતે પણ મહત્વનો માનવામાં આવે છે. વોર્ડ નંબર ૮માંથી નગરપાલિકાના પ્રમુખ નયનાબેન કાપડિયા ચૂંટાયા છે અને તેઓ આ વિસ્તારમાં જ રહે છે. જ્યારે સામે આવેલા વોર્ડ નંબર ૩માંથી નગરપાલિકાના ઉપપ્રમુખ નુતનબેન તન્ના પણ ચૂંટાયેલા છે અને તેમનો નિવાસ પણ અહીં જ આવેલો છે. ઉપરાંત પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હાર્દિકભાઈ કાનાણી, ખોડલધામના ટ્રસ્ટી દેવચંદભાઈ કપોપરા, એપીએમસી વેપારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગજેરા, કોંગ્રેસ અગ્રણી દાનુભાઈ ખુમાર, દ્વારકાધીશની હવેલીના સુધીરભાઈ મહેતા, ડાયમંડ એસોસિએશનના પ્રમુખ હિંમતભાઈ લાખાણી તેમજ એપીએમસીના ડિરેક્ટરો સહિત અનેક અગ્રણીઓ આ વિસ્તારમાં રહે છે.સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ છેલ્લા એક મહિનાથી ગટરના ગંદા પાણી રસ્તાઓ પર વહી રહ્યા છે, છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને વિસ્તારમાં તાવ સહિતની બીમારીઓના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે. શાળાએ જતા બાળકોને પણ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે વાલીઓમાં ચિંતા વ્યાપી છે.રહેવાસીઓએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆતો કરવા છતાં પાલિકા તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. છેલ્લા એક મહિનામાં વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો નથી તેમજ ફોગિંગ મશીન પણ જોવા મળ્યું નથી. જેના કારણે લોકોમાં પાલિકા તંત્ર સામે ભારે અસંતોષ ફેલાયો છે.