જૂનાગઢ જિલ્લાના જાંબુડી ગામમાં મધરાતે દીપડાએ એક વૃદ્ધા પર હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. હુમલામાં વૃદ્ધા ડાહીબેન વાળાને માથા, પીઠ સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.મળતી માહિતી મુજબ, મધરાતના સમયે દીપડો રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગયો હતો અને અચાનક ડાહીબેન વાળા પર હુમલો કર્યો હતો. વૃદ્ધાના બૂમાબૂમ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા. પરિવારજનોનો હોબાળો થતાં દીપડો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો.ઈજાગ્રસ્ત વૃદ્ધાને પ્રથમ સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાને પગલે જાંબુડી ગામમાં લોકોમાં ભારે ભયનો માહોલ જાવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ દીપડાને તાત્કાલિક પકડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.વન વિભાગ દ્વારા દીપડાની હિલચાલ પર નજર રાખી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે. ગામલોકોએ રાત્રિના સમયે ખાસ સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.






































