કેળવણી એટલે વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ.બોધાત્મક,ભાવનાત્મક જોડાણ. સમાજ સાથેનું તાદાત્મ્ય. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સદ્દવિચારોનું આદાનપ્રદાન. કેળવણીનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સમાજ, રાષ્ટ્રની નૈતિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રીય બાબતોનો સર્વાંગી વિકાસ કરવાનો છે. માત્ર શિક્ષણ મેળવવું અને સારા પર્સન્ટાઇલ રેન્ક કે ટકા લાવી દેવાથી કેળવણીનો વ્યાપ્ત થતો નથી. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે કહ્યું છે કે શિક્ષણનું મુખ્ય કાર્ય બાળકોને શિક્ષકની સાથે સાથે સંસ્કાર, સમજણ અને રાષ્ટ્રભાવના નિર્માણ કરવાની છે.
કેળવણીની કેટલીક વિભાવનાઓ પ્રાચીન ગ્રંથો અને મહાપુરુષો દ્વારા લખવામાં આવી છે જેમ કે “મુક્તિ અપાવે તે વિદ્યા”-ઉપનિષદ”માનવીની સંપૂર્ણ વ્યકિતમત્તાનું સંપૂર્ણ પ્રગટીકરણ એટલે શિક્ષણ”-સ્વામી વિવેકાનંદ” કેળવણી એટલે માણસમાંનાં મન, શરીર, અને આત્મામાં રહેલાં ઉત્તમ અંશો બહાર લાવી સંસ્કારવા”
-ગાંધીજી
આજે કેળવાયેલા કરતા બિન કેળવાયેલા માણસોનો મોટો જથ્થો છે. કેળવણી મંડળોમાં જે ભ્રષ્ટાચાર અને દુરાચાર જેવા પ્રપંચો અને પાખંડો થાય છે તેને કેળવણી કહેવામાં આવશે? બાળકોને કેળવવાના છે, તેમને યોગ્ય દિશા તરફ લઈ જવાના છે. તેમનામાં નૈતિક મૂલ્યો કેળવવાના છે. આજે તો શાળા કોલેજમાં ટકા લાવવાની હોડ ઊભી થઈ છે.વિદ્યાર્થીનું ટકાવારી થી મૂલ્યાંકન કરવાની જે પ્રથા છે તેનાથી અનેક દૂષણ નિર્માણ પામે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્કિલબેઝ શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઘણી વખત બાળકને ગણિત ન આવડે પરંતુ તે ભાષાવિદ્ બની શકે. અક્ષરજ્ઞાન કદાચ ન પણ હોય પરંતુ તેની કોઠાસૂઝને કારણે સારી મશીનરી કે અન્ય યાંત્રિક સાધનો બનાવી પણ શકે અને રીપેરીંગ પણ કરી શકે. આ કેળવણી છે. આજની કેળવણી માત્ર વાઈટ કોલર જોબ માટે હોય તેવી પ્રતીતિ થાય છે. કેળવણીનું મુખ્ય કાર્ય સમાજની જે વ્યવસ્થા છે તેને સારી રીતે વ્યાપક બનાવી જોઈએ.
ફક્ત માણસનો બૌધ્ધિક વિકાસ થાય તો ચાલશે?માણસનો સામાજિક, સંસ્કૃતિ, રાજકીય,અધ્યાત્મિક અને રાષ્ટ્રીયતાની ભાવનાનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. આજે તો વધુ બુધ્ધિશાળી માણસો વધુ કરપ્શન કરે છે અને રિક્ષાવાળાને મુસાફરની બેગ મળી હોય તો ઘરે પરત આપી આવે છે.આમાં કોણ કેળવાયેલું લાગે છે?
માણસની બુધ્ધિમતા સાથે તેનામાં સંસ્કારોનું સિંચન થવું એટલું જ જરૂરી છે. જો વ્યક્તિનું બૌધ્ધિક સ્તર ઊંચું હશે અને તેનામાં નીતિમત્તા નહીં હોય તો શું તંદુરસ્ત સમાજનું સર્જન થઈ શકશે? પેઢી દર પેઢી મનુષ્યનો બુધ્ધિ આંક બદલાતો હોય છે, એક પેઢી કરતા આગળની પેઢી બે કદમ આગળ હોય છે. જેને આપણે વિકસાત્મક અભિવ્યક્તિ ગણીશું, પરંતુ સાથે સાથે જૂની પ્રણાલી, જૂની બાબતો, પ્રક્રિયાઓ જો સાથે લઈને ચાલીશું તો એક ખૂબ સુંદર સમાજનું નિર્માણ થશે, માટે આજની આ પેઢીને ફક્ત પોપટયુ જ્ઞાનના આપતા, તેને રોબોટ ના બનાવતા સંસ્કારોનું સિંચન કરી યોગ્ય પથ બતાવી એક માનવીનું સર્જન કરીએ.
આજની પેઢી બદલાઈ રહી છે, લઘુતાગ્રંથિ અને ગુરુતા ગ્રંથિથી પીડાતી તેમજ હંમેશા જીતની અભિલાષા સેવતી અને પોતાનામય બની રહી છે. આપણામાં એક કહેવત છે “કુમળો છોડ વાડીએ તેમ વળે” તો આ છોડને ફક્ત અને ફક્ત સગવડ પૂરી ના પાડતા તેમનામાં કોન્ફિડન્સ તેમજ લાગણીઓ અને અને સમાજ ઉપયોગી એક કલ્યાણકૃત વ્યક્તિ બનાવવાની દિશામાં પ્રેરાઈએ.
કેળવણી મુખ્ય કાર્ય સમાજની સામાજિક સમરસતા અને એકતા નિર્માણ કરવાનું છે. મોટી મોટી ઇન્સ્ટિટયૂટ બનાવી દેવાથી સમાજનો સર્વાંગી વિકાસ થશે નહીં. ફંડામેન્ટલ બેઝથી કેળવણીનો પાયો મજબૂત કરવો પડશે. બાળકોને બધા જ વિષયોમાં રસ, રુચિ અને આવડત કેળવાય તેવું ભવાવરણ અને વાતાવરણ વર્ગખંડમાં કેળવણી દ્વારા નિર્માણ કરવું પડશે. આચરણ થકી અનુસરણ કરાવવા માટે શાળાના શિક્ષક મિત્રોએ સૌપ્રથમ પોતાનાથી શરૂઆત કરવી પડશે.માત્ર ભણાવવા ખાતર શિક્ષણ નથી, વિદ્યાર્થીઓની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓનો આવિર્ભાવ કરવાનો છે. બુનિયાદી શિક્ષણ થકી મૂલ્ય શિક્ષણનો પાયો મજબૂત થશે ત્યારે કેળવણીનો વ્યાપ વધશે. રાજ્યના સારસ્વત મિત્રો બાળકો આપણા અન્નદાતા છે. તેમને વિષય વસ્તુની સાથે સાથે તેમની ક્ષમતાઓને કેન્દ્રસ્થાને રાખી યોગ્ય દિશા દર્શન કરાવવા પ્રયાસ કરીશું તો આવનાર ભવિષ્ય ઉજવળ બનશે.. વિદ્યાર્થી દેવો ભવઃ









































