સાવરકુંડલા-મહુવા રોડ પર મોડી રાત્રે એક કેરી વાહન અકસ્માતનો ભોગ બનતા ૧૪ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ મામલતદાર કચેરી નજીક અચાનક એક શ્વાન રસ્તા પર આડું ઉતરી આવતાં વાહન ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે વાહનનો કાબૂ ગુમાવતા કેરી વાહન પલટી ખાઈ ગયું હતું. અકસ્માત સર્જાતા વાહનમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી જવા પામી હતી.અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક સેવાભાવી લોકો અને આસપાસના રહેવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્તોને બહાર કાઢી ખાનગી વાહનો મારફતે સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાંથી ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતાં વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય લોકોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી હતી.