બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારના લોકપ્રિય નેતા અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર હંમેશા પોતાના બેબાક અને લોકાભિમુખ અંદાજ માટે જાણીતા છે. તાજેતરમાં લાખણી તાલુકાના મોટાકાપરા ગામે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં તેમણે અંધશ્રદ્ધા વિરૂદ્ધ એક મોટું અને પ્રેરણાદાયી નિવેદન આપ્યું છે, જેની હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા થઈ રહી છે. ગઈકાલે મોટાકાપરા ગામે માતાજીના મંદિરના એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા પહોંચેલા ગેનીબેન ઠાકોરે ત્યાં ઉપસ્થિત વિશાળ જનમેદની, ખાસ કરીને મહિલાઓને સંબોધતા અંધશ્રદ્ધાના દૂષણ સામે કડક શબ્દોમાં ટકોર કરી હતી.
ગેનીબેન ઠાકોરે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, “દીવા કરો, માનતા રાખો, તેમાં કોઈ વાંધો નથી, પરંતુ સારા કર્મ વગર કુદરત પણ સાથ નહીં આપે.” તેમણે સમજાવ્યું કે માત્ર પૂજા-પાઠ કે માનતાઓ રાખવાથી ભાગ્ય બદલાતું નથી, તેના માટે માણસે પોતાના કર્મો પણ સુધારવા પડે છે. જો કર્મ સારા હશે, તો જ ઈશ્વરની કૃપા દ્રષ્ટિ તમારા પર રહેશે.
ગામડાઓમાં ખાસ કરીને મહિલાઓ ઘણીવાર દોરા-ધાગા અને અંધશ્રદ્ધાની જાળમાં વહેલી ફસાઈ જતી હોય છે. આ બાબતે ચિંતા વ્યક્ત કરતા સાંસદે બહેનોને ખાસ અપીલ કરી હતી કે, *”બહેનો અંધશ્રદ્ધામાં ન આવે અને પોતાના દીકરા-દીકરીઓને ભણાવે.” શિક્ષણ જ એકમાત્ર એવું હથિયાર છે જે ગરીબી અને કુરીવાજામાંથી મુક્તિ અપાવી શકે છે. નવી પેઢી ભણશે તો જ સમાજનો સાચો વિકાસ થશે.
સ્થાનિક સ્તરે ચાલતી અંધશ્રદ્ધા અને તેના કારણે પરિવારોમાં ઊભી થતી તિરાડ અંગે બોલતા ગેનીબેને પોતાના આગવા અંદાજમાં કટાક્ષ કર્યો કે, “ભુવાજીના કહેવા પર ભાઈઓ માં ક્યાં કોઈ સંપ કરે છે?” ઘણીવાર ભુવાજીઓ કે તાંત્રિકોના ચક્કરમાં આવીને પરિવારો અંદરોઅંદર વેરઝેર બાંધી બેસે છે. અંધશ્રદ્ધા ક્યારેય પરિવારમાં શાંતિ કે ભાઈચારો લાવી શકતી નથી, ઊલટાનું તે ઘર બરબાદ કરે છે. લાખણીના મોટાકાપરા ગામેથી ગેનીબેન ઠાકોરે આપેલો સામાજિક જાગૃતિનો સંદેશો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમના આ વિચારોની પ્રશંસા કરી રહ્યા છે.








































