ગત ૫ અને ૬ જુલાઈ દરમિયાન સાવરકુંડલા તાલુકામાં પડેલા ભારે વરસાદ તેમજ શેત્રુંજી અને શેલ નદીઓમાં આવેલા ભારે પાણીના પ્રવાહને કારણે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ વ્યવસ્થાને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. તાલુકાના માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા માર્ગો ધોવાઈ ગયા હતા તેમજ કેટલાક નાળા અને પુલિયાઓને પણ નુકસાન થયું હતું. જેના કારણે અનેક ગામો વચ્ચેનો વાહનવ્યવહાર અસ્થાયી રીતે ખોરવાઈ ગયો હતો અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.ભારે વરસાદની અસર નેસડી, કરજાળા, જીરા, ખડકાળા, જુનાસાવર, કેરાળા, હઠીલા, વાવ, ખાલપર, મેકડા, ધોબા અને પીપરડી સહિતના ગામોને જોડતા માર્ગો પર વધુ જોવા મળી હતી. અનેક સ્થળોએ રસ્તાઓ ધોવાઈ જતા તેમજ પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. ખેડૂતો, વિદ્યાર્થીઓ, દૂધ ઉત્પાદકો તેમજ રોજિંદા કામકાજ માટે મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. સીમરણ-જીરા, જીરા-આંબા, જીરા-નાના ભમોદરા, નાના ભમોદરા-ખડકાળા, સાવરકુંડલા-નાના ભમોદરા, જુનાસાવર-કેરાળા, જીરા-જીરા સ્ટેશન, કેરાળા-કુકાવાવ તેમજ ખાલપર-બવાડી જેવા મહત્વના માર્ગો પર બોર્ડર ભરાવવાની અને ધોવાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી માટે કોરિસફોલ, જેસીબી, હિટાચી, ટ્રેક્ટર સહિતની મશીનરી તેમજ મજૂરોની ટીમોને સતત કાર્યરત રાખવામાં આવી હતી. વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તકના અંદાજે ૨૨ રસ્તાઓને નુકસાન થયું હતું. જેમાંથી ૬ રસ્તાઓ સંપૂર્ણપણે વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા હતા. જોકે તાત્કાલિક સમારકામ અને મરામત કામગીરીના કારણે મોટાભાગના માર્ગો ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. હાલમાં બાકી રહેલા બે રસ્તાઓ પર પણ કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે વરસાદ બાદ તાત્કાલિક સર્વેક્ષણ કરીને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જરૂરી મશીનરી અને માનવબળની મદદથી અસરગ્રસ્ત માર્ગો પર કામગીરી શરૂ કરવામાં આવી હતી. આવશ્યક સેવાઓ, આરોગ્ય સુવિધાઓ, દૂધ વિતરણ, શાળા પરિવહન અને ગ્રામ્ય વિસ્તારોના દૈનિક જીવનને ઝડપથી સામાન્ય બનાવવાના હેતુથી પ્રાથમિકતા આધારે રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.સ્થાનિક ગ્રામજનોએ માર્ગ અને મકાન પંચાયત વિભાગની ઝડપી અને અસરકારક કામગીરીની પ્રશંસા કરી છે. ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે સમયસર સમારકામ હાથ ધરાતા લોકોને મોટી રાહત મળી છે. હાલમાં તાલુકાના મોટાભાગના માર્ગો પર સ્થિતિ સામાન્ય બની રહી છે અને બાકી રહેલા સમારકામના કામો પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.








































