લાઠી શહેર ખાતે આજે લાઠી-બાબરા તાલુકા સંકલન અને ફરીયાદ સમિતીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ધારાસભ્ય જનક તળાવીયાની ઉપસ્થિતિમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં જનક તળાવીયાએ તાલુકાના લોકોની સમસ્યાઓનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવા માટે તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. બેઠક દરમિયાન માર્ગ-મકાન, પીવાનું પાણી, વીજ પુરવઠો, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, રેવન્યુ, ગ્રામ વિકાસ અને સામાજિક ન્યાય વિભાગને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
અગાઉની બેઠકોમાં લેવાયેલા નિર્ણયો અંગે સમીક્ષા કરવામાં આવી અને બાકી રહેલા પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. પીવાના પાણી અને રસ્તાઓની સ્થિતિ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી ન થાય તે માટે આગોતરું આયોજન કરવા જણાવાયું હતું. આરોગ્ય વિભાગને દવાખાનાઓમાં ડોક્ટરોની હાજરી અને દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. શિક્ષણ વિભાગને શાળાઓમાં જરૂરી સુવિધાઓ અને શિક્ષકોની ઘટ અંગે ધ્યાન આપવા સૂચના આપવામાં આવી હતી.