રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં ૭૭ વર્ષીય ખેડૂત જીતેન્દ્રસિંહ જાડેજાના ઘરે થયેલી રૂ. ૨.૪૯ કરોડની ધાડના કેસમાં રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ બાતમીદારો સહિત વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીઓ પાસેથી રૂ. ૧૨.૫૦ લાખની રોકડ, એક કાર, એક બાઇક સહિત રૂ. ૧૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગ્રામ્ય પોલીસ અગાઉ આ કેસમાં અગાઉ ૭૬ લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. તેમ છતાં ગેંગના માસ્ટરમાઇન્ડ પૈકીના એક સહિત છ આરોપીઓ અને અંદાજે દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ હજુ પોલીસ પકડથી દૂર છે.
પોલીસ તપાસમાં સમગ્ર કાવતરાનું મૂળ આરોપી બહાદુર બબેરિયા છે. જે લગભગ છ વર્ષ પહેલાં જીતેન્દ્રસિંહ જાડેજાના ખેતરમાં પેટા ભાગીયા તરીકે કામ કરતો હતો. તે દરમિયાન તેને પરિવારની આર્થિક Âસ્થતિ, ઘરમાં મોટી રકમ અને દાગીના હોવાની વિગતવાર માહિતી મળી હતી. જૂન મહિનામાં મધ્યપ્રદેશના જાંબુઆ ખાતે યોજાયેલા મેળા દરમિયાન બહાદુરે પોતાના સાથી રાજુ ભાભોર અને સાગર મેડાને શાપર ખાતે મોટી ચોરીની તક હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ ૮ જૂને બહાદુર, રાજુ અને સાગરે શાપર આવી વૃદ્ધ દંપતીના ઘરની પ્રથમ રેકી કરી હતી. વધુ માણસોની જરૂર પડતાં રાજુએ નિલેશ મચ્છાર અને રામેશ્વર ઉર્ફે પપ્પુ મચ્છારને ગેંગમાં જાડ્યા. જાંબુઆ જેલમાં થયેલી ઓળખાણના આધારે રામેશ્વરે વિજન માવીનો સંપર્ક કર્યો હતો જે ચોરી અને ધાડ પાડતી ગેંગ સાથે સંકળાયેલ હતો.
૧૫થી ૧૭ જૂન દરમિયાન આરોપીઓએ સતત ત્રણ દિવસ સુધી ઘરની અને આસપાસના વિસ્તારની રેકી કરી હતી. પોલીસ સ્ટેશનનું સ્થાન, ઘરમાં પ્રવેશવાના માર્ગો, નાસી છૂટવાના રસ્તાઓ અને સીસીટીવી કેમેરાની Âસ્થતિ સહિતની દરેક વિગતોનો અભ્યાસ કરીને ગુનાનો ફૂલપ્રૂફ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રામેશ્વર ઉર્ફે પપ્પુ દ્વારા વિજન માવીને ફોન કરીને શાપર આવવા માટે જણાવ્યું હતું. જેના કારણે બાકી રહેલા આરોપીઓ ૧૭ જૂને બોલેરો કાર મારફતે શાપર આવવા નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં કાળી ચકલી વચ્ચેથી પસાર થતા તેને અપશુકન માની તેઓએ પ્રવાસ મોકૂફ રાખ્યો હતો. તેમજ ૧૭ તારીખની જગ્યાએ ૧૮ તારીખના રોજ રાત્રિના ૧૧ વાગ્યા આસપાસ પહોંચ્યા હતાં. શાપર ખાતે પહોંચતા વિજન માવીએ પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને ફેંકી દીધો હતો. તેમજ ત્યારબાદ કલમસિંગના ફોનમાંથી રામેશ્વર ઉર્ફે પપ્પુને ફોન કરતા ૧૮ તારીખના રોજ ગુનાને અંજામ આપવાની ના પાડી હતી. જેથી તમામ સભ્યો શાપર ખાતેથી ચોટીલા રિટર્ન થયા હતા. તેમજ ૧૯ તારીખના રોજ ફરી પાછા શાપર ખાતે પહોંચીને દિવસ દરમિયાન રેકી કરી હતી. તેમજ રાત્રે જીતેન્દ્રસિંહ જાડેજાના ઘરમાં ખેતર વાટે પ્રવેશ કરી ધાડને અંજામ આપવામાં આવ્યો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે, વિજન માવીએ જીતેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કર્યો હતો. તેમજ તેના સાથીઓએ ઘરમાંથી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ ભાગવા માટે આસપાસના વિસ્તારમાંથી ત્રણ મોટરસાયકલ ચોરી હતી. બે બાઇક હિરાસર એરપોર્ટ નજીક છોડીને તેઓ અગાઉથી તૈયાર રાખેલી બોલેરોમાં બેસી મધ્યપ્રદેશ તરફ ફરાર થઈ ગયા હતા. આ કેસમાં પોલીસે અત્યાર સુધી વિજન માવી, રામેશ્વર ઉર્ફે પપ્પુ મચ્છાર, રાજુ ભાભોર અને સાગર મેડાની ધરપકડ કરી છે. જ્યારે કમલસિંહ ઉર્ફે કલમસિંહ સિંગાડ, કરણસિંહ ઉર્ફે મડીયા સિંગાડ, મહોબતસિંહ, આલમસિંહ ઉર્ફે સુલસુલા, બહાદુર બબેરિયા અને નિલેશ મચ્છાર હજુ ફરાર છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા આરોપીઓમાંથી વિજન માવી વિરુદ્ધ મધ્યપ્રદેશમાં ચોરી અને લૂંટના બે ગુના નોંધાયેલા છે. રામેશ્વર ઉર્ફે પપ્પુ મચ્છાર વિરુદ્ધ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઘરફોડ, ચોરી અને લૂંટના કુલ સાત ગુના નોંધાયેલા છે. જ્યારે સાગર મેડા સામે પણ મધ્યપ્રદેશમાં મારામારીનો ગુનો નોંધાયેલો છે.
પોલીસ હવે ફરાર આરોપીઓની શોધખોળ તેજ બનાવી દોઢ કરોડથી વધુના બાકી મુદ્દામાલની પુનઃપ્રાપ્તિ માટે વિવિધ ટીમો દ્વારા કાર્યવાહી આગળ ધપાવી રહી છે.









































