જામનગરના ૬૧ વર્ષના પ્રવીણભાઈ પરમારનું અમરનાથ યાત્રા દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું છે. તેઓ બાબા બર્ફાનીના દર્શન કરવા તા.૩૦ જૂનના રોજ જામનગરથી યાત્રાએ નીકળ્યા હતા. આ ઘટના પવિત્ર ગુફાથી માત્ર થોડા જ કિલોમીટર દૂર બની હતી.
પ્રવીણભાઈ પરમાર અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થામાં બાલતાલ રૂટ પરથી પવિત્ર ગુફા તરફ આગળ વધી રહ્યા હતા. પવિત્ર ગુફાથી આશરે ૩ થી ૪ કિલોમીટર દૂર આવેલા કાલી માતાજીના મંદિર પાસે પહોંચતા જ તેમને તીવ્ર હાર્ટ એટેક આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ શ્રાઇન બોર્ડના અધિકારીઓ અને સુરક્ષા જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પ્રવીણભાઈને નજીકના મેડિકલ કેમ્પમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહીં.
જામનગરથી અમરનાથ યાત્રામાં પ્રથમ જથ્થામાં પ્રવીણભાઈનું ગ્રુપ રવાના થયું હતું. પ્રવીણભાઈ જામનગરથી યાત્રા શરૂ કરી સૌપ્રથમ જમ્મુ રોકાયા હતા. ત્યાર બાદ ૨ જુલાઈએ તેઓ શ્રીનગર અને ૩ જુલાઈએ બાલતાલ બેઝ કેમ્પ પહોંચ્યા હતા. ૪ જુલાઈએ તેમણે બાલતાલથી પવિત્ર ગુફા તરફની યાત્રા શરૂ કરી હતી
નિધન બાદ તેમના પાર્થિવ દેહને સૌપ્રથમ સોનમર્ગ લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી હવાઈ માર્ગે શ્રીનગર એરપોર્ટથી દિલ્હી અને ત્યાર બાદ વડોદરા એરપોર્ટ લાવવામાં આવ્યો. વડોદરાથી એમ્બ્યુલન્સ દ્વારા તેમના પાર્થિવ દેહને જામનગર લાવવામાં આવ્યો છે.