અમરેલી જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી સાવરકુંડલા તાલુકાના કેરાળા ગામમાં છેલ્લા ૪૦ વર્ષથી ચાલતો જમીન વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો છે. કાર્યવાહીમાં પીડિત વિધવા પુરીબેન ઉર્ફે કુંવરબેન દોમડિયાને અંદાજે ૩૦ લાખ રૂપિયાની કિંમત ધરાવતી ૯ વીઘા જમીનનો કબજો પરત અપાવવામાં સફળતા મળી છે. પરિવાર દ્વારા વર્ષો સુધી સરકારી કચેરીઓમાં રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. ત્યારબાદ અમરેલી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ તંત્ર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી. તપાસની જવાબદારી સાવરકુંડલા ડિવિઝન પોલીસને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કૌટુંબિક ભાઈ બાબુભાઈ દોમડિયાએ વર્ષોથી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો.











































