ખેતીની જમીન પર વીજપોલ ઊભા કરવાના વિરોધમાં આખા ગુજરાતમાં ચાલી રહેલા આંદોલનોનો ત્વરિત ઉકેલ લાવવા માટે બાબરા ગામના ખેડૂત શંભુભાઈ એમ. પાંચાણી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે, ‘ખેડૂત છે તો ખેતી છે અને ખેતી છે તો દેશ સુખી છે’, તેથી સરકારે આ ગંભીર બાબતે યોગ્ય મંથન કરીને ખેડૂતોને પૂરતું વળતર આપવું જોઈએ.હાલ વાવણીની મોસમ શરૂ થઈ ગઈ હોવાથી ખેડૂતો દેવાના બોજમાંથી બહાર આવી શાંતિથી ખેતી કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તેવા હિતલક્ષી નિર્ણયો લેવા મુખ્યમંત્રીને નમ્ર અરજ કરાઈ છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આ જટિલ સમસ્યાનું તાકીદે કાયમી નિવારણ લાવવા પત્ર દ્વારા ખાસ માંગ કરવામાં આવી છે.