લીલીયા તાલુકાના પુંજાપાદર ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત થઈ રહેલા જળ સંચયના કામનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ સંયુક્ત મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ નદી-નાળા ઊંડા કરવાની તેમજ પાણીના સંગ્રહ માટેની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આગામી ચોમાસામાં વધુ પાણીનો સંગ્રહ થાય અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે તેવા વહીવટી તંત્ર અને સ્થાનિકોના આયોજનને તેમણે બિરદાવ્યું હતું. સાંસદે જણાવ્યું કે જળ સંચયથી ખેડૂતો અને પશુપાલકોને ઉનાળામાં પાણીની અછત નહીં નડે, જ્યારે ધારાસભ્યે કામની ગુણવત્તા જાળવવા સૂચનો આપ્યા હતા. આ તકે જીગ્નેશ સાવજ સહિત અનેક સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.










































