બગસરા નગરપાલિકામાં ભાજપે કબજા કર્યા બાદ સદસ્યોને હજુ જીતનો નશો ઉતર્યો નથી. જીતના નશામાં સદસ્યો પાલિકામાં કર્મચારીઓ સાથે પણ ઉધ્ધતવર્તન કરતા હોવાથી કર્મચારીઓમાં સદસ્યોની નીતિ સામે આક્રોશ ફેલાયો છે. બગસરા નગરપાલિકામાં ભાજપે રર બેઠકો કબજે કર્યા બાદ સદસ્યો હવામાં ઉડવા લાગ્યા છે. પાલિકા પ્રમુખની અમુક કામમાં જવાબદારી હોવા છતાં અન્ય સદસ્યો પોતાનુ વર્ચસ્વ જમાવવા પાલિકાને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેથી ‘ચા કરતા કીટલી ગરમ’ જેવો ઘાટ સર્જાયો છે. અમુક સદસ્યોને જીતનો એટલો નશો ચડ્યો છે કે કર્મચારીઓ સાથે પણ ઉધ્ધતવર્તન કરી દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કર્મચારીઓ સાથે બિભત્સ ભાષામાં ઉપયોગ કરતા હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે. આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને રજૂઆત કરવામાં આવતા તેમને પણ સદસ્યોની આવી નીતિની ટીકા કરી અને જે કોઈ સદસ્ય આવુ કરતો હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ. ભાજપ સદસ્યોના આવા વર્તનને કારણે અમુક કર્મચારીઓએ તો હડતાલ પર જવાનું મન બનાવ્યું હોવાનુ જાણવા મળ્યુ છે. આમ, જીતના નશામાં ચકચૂર બનેલા સદસ્યો સામે હવે લોકોમાંથી છાનેખૂણે વિરોધ થઈ રહ્યો છે.