લાઠીના રાજવી કવિ કલાપીની ૧૨૬મી પુણ્યતિથિ નિમિત્તે આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ અનોખો સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. લાઠીના ઠાકોર સાહેબ કીર્તિકુમારસિંહજી ના નિવાસસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કવિ કલાપીના પત્રોનું વાંચન હેમાક્ષીબેન સોલંકી, કુ. માન્યતાબેન સરવૈયા અને ભરતભાઈ પાડાએ કરીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જાણીતા સાહિત્યકાર ડો. ભુપેન્દ્ર રાવલે જણાવ્યું કે, ‘કલાપીના પત્રો એ માત્ર પત્રવ્યવહાર નથી, પણ કલાપીને જાણવા-માણવાનું ઉત્તમ સાહિત્ય સર્જન છે. જ્યારે આરાધના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઇતેષભાઈ મહેતાએ જણાવ્યું કે, કલાપીના પત્રોમાં કલાપીનું સંવેદનશીલ હૃદય પ્રગટ થાય છે.’ કલાપીએ પોતાના મિત્રો, પત્ની આનંદીબા, રમાબા અને પ્રેયસી મોંઘી ઉર્ફે શોભનાને કાશ્મીર તથા માથેરાનના પ્રવાસ દરમિયાન લખેલા પત્રો આજે ગુજરાતી સાહિત્યની અમૂલ્ય ધરોહર સમાન છે. ડો. મુકેશભાઈ ત્રિવેદીએ પણ કલાપીના જીવન-કવન પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે લાઠીના અગ્રણી વેપારી જયેશભાઈ ઠાકર, લાઠી શહેર ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ સોની, ‘વીર હમીરસિંહજી’ નાટકના કલાકાર ભાવેશભાઈ રંગપરા, શિક્ષક સી.એમ.સોલંકી તથા પંકજભાઈ રાઠોડ સહિત અગ્રણીઓ અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના મંત્રી રાજુભાઈ રિઝિયાએ કર્યું હતું. આભારવિધિ એડવોકેટ હરેશભાઈ સેજુએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ધીરુભાઈ ગાંગડિયા, મનુબાપુ ગોસાઈ અને દિનેશભાઈ લાઠીયાએ જહેમત ઉઠાવી હતી.









































