સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે હનીટ્રેપ અને બ્લેકમેલિંગનો એક અત્યંત ચોંકાવનારો અને દર્દનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. એક મહિલા સહિતની ટોળકી દ્વારા આચરવામાં આવેલા ગુનાહિત કાવતરા અને આર્થિક તેમજ માનસિક ત્રાસથી કંટાળીને ગામના એક પ્રૌઢે પોતાની જ વાડીમાં લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે મરણજનારના પુત્રએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.હાલ સુરત રહેતા મૂળ લીખાળા ગામના પરેશભાઇ હીમંતભાઇ સુહાગીયા (ઉ.વ.૩૩) એ તેમના જ ગામના રોહીતભાઈ કડવાભાઇ વેકરીયા અને ભોળાભાઇ રામભાઇ સિંધવ,હિના નામની મહિલા અને બે અજાણ્યા પુરૂષો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના પિતા છેલ્લા એકાદ મહિનાથી એક મોબાઈલ નંબર પર હિના નામની મહિલા સાથે વાતચીત કરતા હતા. આ મહિલા લીખાળા ગામના જ ભોળાભાઈ રામભાઈ સિંધવ નામના શખ્સના સંપર્કમાં હતી. આ ટોળકીએ પ્રૌઢ પાસેથી મોટી રકમ પડાવવાનું ગુનાહિત કાવતરૂં ઘડ્યું હતું.૨૨/૦૫/૨૦૨૬ના રોજ રાત્રિના સમયે હિના નામની મહિલા તેમની વાડીએ આવી હતી. બંને વાડીએ હાજર હતા તે દરમિયાન પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બે અજાણ્યા પુરુષો ત્યાં ધસી આવ્યા હતા. આ શખ્સોએ તેમના પિતાને ડરાવી-ધમકાવીને રૂ. ૩,૦૦,૦૦૦/- ની માગણી કરી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પ્રૌઢની બાજુની વાડી ધરાવતા રોહિતભાઈ કડવાભાઈ વેકરીયા ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે વચેટીયા તરીકે ભૂમિકા ભજવીને રૂ. ૧,૫૦,૦૦૦ માં મામલો થાળે પાડવાનું નક્કી કરાવ્યું હતું. ત્યારબાદ રોહિતભાઈ તેના પિતાને સાથે રાખીને તેમના ઘરે ગયા હતા, જ્યાંથી રોકડા રૂ. ૮૦,૦૦૦ લઈ આવ્યા હતા. રોહિતભાઈએ આ રકમ વાડીએ હાજર હિના અને તેની સાથેના બે અજાણ્યા પુરુષોને અપાવી દીધી હતી અને બાકીના પૈસા સવારે આપવાનું નક્કી કર્યું હતું.આ ઘટના બાદ આરોપીઓએ તેમના પિતાને યેનકેન પ્રકારે ભારે માનસિક રીતે હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. બદનામીના ડર અને આરોપીઓના અસહ્ય માનસિક ત્રાસના કારણે અંતે મજબૂર થઈને તેમના પિતાએ પોતાની જ વાડીમાં આવેલા લીમડાના ઝાડ સાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ આયખું ટૂંકાવી લીધું હતું. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ બી.પી.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.











































