સાયબર ક્રાઈમના ગુનાઓ રોકવા અને વણઉકેલાયેલા કેસોના ગુનેગારોને પકડી પાડવા માટે અમરેલી પોલીસ દ્વારા એક જેમાં દેશભરમાં કરોડો રૂપિયાનું ફ્રોડ કરનાર મ્યુલ એકાઉન્ટ ધારકોનો પર્દાફાશ થયો છે.અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ તા. ૦૯/૦૬/૨૦૨૬ના રોજ જિલ્લામાં સ્પેશિયલ ‘મ્યુલ એકાઉન્ટ વેરિફિકેશન ડ્રાઇવ’ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન સરકારી ‘સમન્વય પોર્ટલ’ પરથી અમરેલી જિલ્લાના એવા ૩૫ બેંક ખાતાધારકોને શોધી કાઢી તપાસ કરવામાં આવી હતી, જેમની સામે એક કરતાં વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હતી.આ ૩૫ ખાતાઓની તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસ દરમિયાન ૧૫ ખાતાધારકો ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા જણાતા તેમની સામે કાયદેસરનો ગુનો દાખલ કરાયો હતો. આ ૧૫ ખાતાધારકો વિરુધ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ ૫૪ જેટલી ફરિયાદો નોંધાયેલી હતી. આ તમામ ફરિયાદોનું કુલ છેતરપિંડીની રકમ રૂ. ૭૦,૫૦,૮૦,૨૪૯ થાય છે. આ કરોડો રૂપિયાના ફ્રોડમાંથી રૂ. ૧,૨૬,૬૧,૦૨૯ આ ૧૫ એકાઉન્ટ ધારકોના બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું હતું.પોલીસે આ ઓપરેશન અંતર્ગત તાત્કાલિક કાર્યવાહી કરીને સાયબર ફ્રોડના નાણાં પોતાના ખાતામાં મેળવનારા ૫ આરોપીઓની ધરપકડ કરી હતી. ભાર્ગવ રાજુભાઇ જોષી (રહે. ૨૪૮, સહજાનંદ પરા-૨, અમરેલી), હિતેશ ભિખુભાઇ વાળા (રહે. માલસિકા, તા. ધારી, જી. અમરેલી), ગોહિલ જેમ્સ સંજયભાઇ (રહે. અમરાપરા, બગસરા), પુજન જિવનભાઇ ધોરીયા (રહે. સ્વામી વિવેકાનંદ સોસાયટી, બગસરા) તથા રાહુલ નથુભાઇ ગમારા (રહે. અમરેલી રોડ, બાબરા)ની ધરપકડ કરી હતી. મામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, આ નેટવર્ક પાછળ બીજા કયા મોટા માથાઓ સંડોવાયેલા છે તે દિશામાં અમરેલી સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
આ રીતે ઉપાડવામાં આવતા રૂપિયા
આરોપીઓએ સાયબર ફ્રોડના આ તમામ નાણાં કાયદાની નજરમાંથી બચવા માટે આરટીજીએસ, એનઈએફટી, આઈએમપીએસ, યુપીઆઈ, તેમજ એટીએમ જેવા અલગ-અલગ માધ્યમોથી તાત્કાલિક વિડ્રો અથવા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી પોતાના અંગત ઉપયોગમાં લઈ ગુનો આચર્યો હતો.











































