ગુજરાતના જગતના તાત એટલે કે ખેડૂતો સાથે છેતરપિંડી અને કાળાબજારી કરનારા લેભાગુ તત્વો સામે રાજ્ય સરકારે લાલઆંખ કરી છે. ચોમાસાની વાવણીની સીઝન પૂર્વે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે નકલી કૃષિ સામગ્રી વેચનારાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગેરરીતિ આચરતા તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ખેડૂતોના હિત-શત્રુઓ, ગેરકાનૂની, પ્રતિબંધિત કે ઓછી ગુણવત્તાવાળી કૃષિ સામગ્રી વેચનારા કે સંગ્રહખોરી કરનારા તત્વોને રાજ્ય સરકાર કોઈ પણ સંજાગોમાં સાંખી નહીં લે અને તેમની સામે સીધા જેલ ભેગા કરવા સુધીના કડક પગલાં લેવાશે.
કૃષિ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, રાજ્ય સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતર મળે તે માટે કટિબદ્ધ છે. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ ખાતર અને બિયારણની ગુણવત્તા સુનિશ્ચિત કરતા કેન્દ્ર સરકારના ચોક્કસ હુકમો અમલમાં છે. જા કોઈ પણ સંસ્થા કે વિક્રેતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કે અનિયમિતતા આચરતા પકડાશે, તો માત્ર લાયસન્સ જ રદ નહીં થાય, પણ તેમની સામે સીધી પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આવા તત્વો સામે “ધ પ્રિવેન્શન આૅફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઈન્ટેનન્સ ઓફ સપ્લાઇ ઓફ એસેન્શિયલ કોમોડિટી એક્ટ- ૧૯૮૦ હેઠળ કડક જેલની સજા અને દંડ થાય તેવા કડક આદેશો વિભાગને આપી દેવાયા છે.
ખેડૂતોના હિતોના રક્ષણ માટે કૃષિ વિભાગનું ગુણવત્તા નિયંત્રણ તંત્ર રાત-દિવસ સતર્કતા સાથે કામ કરી રહ્યું છે. કૃષિ મંત્રીએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે માત્ર ત્રણ જ મહિનામાં ૮૫ વિજીલન્સ ટીમોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાના કુલ ૩૫૨૬ ઉત્પાદકો અને વિક્રેતાઓ તેમજ ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરતા ૭૪ એકમોની સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ગુણવત્તાની ચકાસણી માટે કુલ ૧૦૬૦ નમૂનાઓ લેવામાં આવ્યા છે અને અનિયમિતતા જણાતા અત્યાર સુધીમાં ૭૫૨ વિક્રેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે. તદુપરાંત, નિયમોના ઉલ્લંઘન બદલ ખાતરના ૪૨, બિયારણના ૦૬ અને જંતુનાશક દવાના ૦૬ મળીને કુલ ૫૪ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે, તેમજ ગંભીર બેદરકારી બદલ ખાતરના એક અને જંતુનાશક દવાના એક મળી કુલ બે ઇસમો સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે.
સરકાર દ્વારા સબસિડીવાળા ખાતરની કાળાબજારી અટકાવવા માટે તમામ પેઢીઓના પીઓએસ મશીન, ભૌતિક જથ્થો, રેકોર્ડ અને બિલોની નિયમિત ચકાસણી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં કુલ ૪૬૭૪ ખાતર વિક્રેતાઓ અને ઉત્પાદકોની સ્થળ મુલાકાત લેવાઈ છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગત વર્ષે પણ કૃષિ વિભાગની ૨૭૬ ટીમો દ્વારા કુલ ૬૩૮૦ એકમોની ચકાસણી કરાઈ હતી, જેમાં ખાતર, દવા અને બિયારણના કુલ ૨૪૬ લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવામાં આવ્યા હતા, જ્યારે કાયદાનો ભંગ કરનારા કુલ ૨૬ તત્વો સામે એફઆઇઆર દાખલ કરીને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. કૃષિ મંત્રીએ રાજ્યના ખેડૂતોને આશ્વસ્ત કર્યા છે કે જગતના તાતને કોઈ પણ પ્રકારે આર્થિક નુકસાન ન થાય તે માટે સરકાર હંમેશા કટિબદ્ધ રહેશે.









































