લાઠીના અકાળા ગામે પતિ અને સાસરિયાંથી અલગ રહેતી પત્ની દીકરાનું ઓળખપત્ર (આધારકાર્ડ) લેવા આવતાં પતિએ લાકડાના બડિયાનો ઘા માર્યો હતો. આ બનાવ સંદર્ભે હાલ બાબરા રહેતાં કિંજલબેન દિનેશભાઇ ચૌહાણ (ઉં.વ. ૨૭)એ અકાળા ગામે રહેતા પતિ દિનેશભાઇ ધીરૂભાઇ ચૌહાણ, સસરા ધીરૂભાઇ મોહનભાઇ ચૌહાણ તથા જેઠ અશોકભાઇ ધીરૂભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેઓ પતિથી અલગ રહેતાં હતાં. પોતાના દીકરાનું ઓળખપત્ર લેવા તેઓ સસરાના ઘરે ગયાં ત્યારે પતિ તેમને ગાળો આપવા લાગ્યો હતો. કિંજલબેને ગાળો બોલવાની ના પાડતાં પતિએ લાકડાના બડીયાનો એક ઘા માથાના ભાગે મારી દીધો હતો, જેને કારણે માથામાં સાતેક જેટલા ટાંકા આવ્યા હતા. આ ઉપરાંત, ધીરૂભાઈ ચૌહાણે લાકડાનો એક ઘા પીઠના (વાસાના) ભાગે મારી મૂઢ ઈજા પહોંચાડી હતી, જ્યારે અશોકભાઈ ચૌહાણે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. કે. પાંડવ વધુ તપાસ કરી રહ્યા છે.











































