રાજ્યમાં ઓનલાઇન રોકાણ અને શેરબજારના નામે છેતરપિંડી આચરતી ગેંગ વધુ સક્રિય બની છે, ત્યારે અમરેલીમાં વધુ એક સાયબર ફ્રોડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ટેલિગ્રામ ચેનલ પર શેરબજારની ટિપ્સ અને ઊંચા વળતરની લાલચ આપી એક શખ્સે ફરિયાદી પાસેથી કુલ રૂ. ૬૯,૪૪૧.૨૦ ની ઓનલાઇન છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ અંગે અમરેલીમાં રહેતા દર્શક રવજીભાઇ વઘાસીયા (ઉ.વ.૩૦)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આ ગુનાના આરોપીએ ટેલિગ્રામ એપ્લિકેશન પર એક ચેનલ બનાવી હતી. આ ચેનલમાં તે શેરબજારની ખોટી ટિપ્સ અને મની ઇન્વેસ્ટમેન્ટની આકર્ષક સ્કીમો મૂકી લોકોને જાળમાં ફસાવતો હતો. ફરિયાદી પણ આ ચેનલના સંપર્કમાં આવ્યા હતા. આરોપીએ પોતાના મોબાઈલ નંબર પરથી ફરિયાદીનો વોટ્સએપ પર સંપર્ક કર્યો હતો. તેણે ફરિયાદીને શેરબજારની સ્કીમમાં રોકાણ કરવાથી ટૂંક સમયમાં જ ખૂબ સારું વળતર (રીટર્ન) મળશે તેવી મોટી-મોટી લાલચો આપી હતી. આરોપીની વાતોમાં આવી જઈને ફરિયાદીએ શરૂઆતમાં ઇન્વેસ્ટમેન્ટ પેટે રૂ. ૩૦,૦૦૦ આરોપીને ગૂગલ પે પર ટ્રાન્સફર કર્યા હતા, જે રકમ આરોપીએ ઓળવી લીધી હતી. પ્રાથમિક રોકાણ બાદ આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ પ્રોફિટ મેળવવા અથવા રીટર્ન ચાર્જના બહાના હેઠળ ફરીથી નાણાંની માંગણી કરી હતી. ફરિયાદી પાસેથી રીટર્ન ચાર્જના નામે વધુ રૂ. ૩૯,૪૪૧.૨૦ અન્ય એક આરોપીના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.









































