અમરેલી જિલ્લાના રાજુલા શહેર અને આસપાસની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ચોક્કસ સ્થળેથી પુસ્તકો, નોટબુક, સ્કૂલબેગ તથા અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદોને પગલે શિક્ષણ વિભાગ સક્રિય બન્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીના નિર્દેષ બાદ રાજુલાની ૧૦થી વધુ ખાનગી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. રાજુલા સ્ટેશનરી એસોસિએશને આ મામલે સ્થાનિક તંત્ર અને શિક્ષણ વિભાગને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને પોતાની પસંદગીના વેચાણ કેન્દ્રો અથવા શાળામાંથી જ સામગ્રી ખરીદવા માટે ફરજ પાડે છે, જેના કારણે વાલીઓ અને સ્થાનિક વેપારીઓને મુશ્કેલી પડે છે.
જિલ્લા શિક્ષણ અધિકારી એમ.બી. ગોહિલે જણાવ્યું કે આરટીઈ એક્ટ-૨૦૦૯ મુજબ કોઈપણ શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાન કે શાળામાંથી જ પુસ્તકો, ડ્રેસ અથવા અન્ય સામગ્રી ખરીદવા માટે દબાણ કરી શકતી નથી. નિયમોના ભંગ બદલ સંબંધિત શાળાઓ સામે કાર્યવાહી સાથે રૂ.૧૦ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે.









































