બગસરાથી સાપર સુડાવડ જવાના રસ્તાનું કામ છેલ્લા એક વર્ષથી ચાલુ છે. પરંતુ હજુ સુધી આ કામમાં ફક્ત રોડ ખોદેલ છે પરંતુ નવો બનાવેલ નથી. આથી આજે જનઆક્રોશ જોવા મળ્યો હતો. સાપર અને સુડાવડ ગામનું કાયમી હટાણું બગસરાનું હોવાથી ત્યાંથી આવતા તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી આજે કંટાળીને લોકો રોડ ઉપર આવી ગયા હતા અને ચક્કાજામ કર્યો હતો. તેમણે ચીમકી આપી હતી કે, તત્કાલ રોડ બનાવવામાં આવે નહિ તો ઉગ્ર આંદોલન કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રોડ છેલ્લા ૧ વર્ષ કરતા વધારે સમયથી તંત્ર દ્વારા તોડી નાખેલ છે. જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. જયારે આ માર્ગ ફક્ત ૬ કિલોમીટર જેટલો જ છે. આ રોડ સાપર અને સુડાવડ જવાનો એક માત્ર રસ્તો છે અને ખેડૂતોને વાડી એ જવાનો મુખ્ય માર્ગ છે. આ રોડ માટે સાપર ગામના સરપંચ દ્વારા વારંવાર રજુવાત કરેલ છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી થયેલ નથી.