કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે મંગળવારે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ, ખાસ કરીને નીટ યુજી પેપર લીક વિવાદ પર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે આ વારંવાર થતી ગેરરીતિઓને આખી પેઢી સાથે વિશ્વાસઘાત ગણાવી.
થરૂરે કહ્યું, “તમે એવી સિસ્ટમ ચલાવી રહ્યા છો જેમાં પરીક્ષાઓની નિષ્પક્ષતા પર વિશ્વાસ કરી શકાતો નથી.” જે વિદ્યાર્થીઓએ તેમની તૈયારીમાં ખૂબ જ મહેનત કરી છે તેઓ અચાનક જુએ છે કે પેપર લીક થઈ ગયું છે, ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા છે અને સમગ્ર પ્રક્રિયા ભ્રષ્ટ છે. ક્યારેક પરીક્ષાઓ રદ કરીને ફરી શરૂ કરવી પડે છે.
તેમણે ભારતની પરીક્ષા પ્રણાલીની તુલના વિશ્વ કક્ષાની પ્રણાલીઓ સાથે પણ કરી અને તેની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસ નેતાએ કહ્યું કે વિશ્વભરમાં ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ નિષ્પક્ષ રીતે લેવામાં આવે છે, પછી ભલે તે એસએટી, કેમ્બ્રેજ પરીક્ષાઓ હોય કે આઇએસસી
તેમણે પૂછ્યું, “આપણું સરકારી તંત્ર વારંવાર અનિયમિતતાઓથી કેમ પીડાય છે? સરકાર એવી સ્થિતિમાં કેમ છે કે તે રાષ્ટ્રીય પરીક્ષા જેવી સરળ પ્રક્રિયાની ન્યાયીતા અને પ્રામાણિકતાની ખાતરી આપી શકતી નથી?”
થરૂરે આ સતત કટોકટી માટે કેન્દ્ર સરકારને દોષી ઠેરવી. તેમણે કહ્યું, “આ ખરેખર સરકારની ખામી છે, અને સરકારે જવાબદારી લેવી જાઈએ અને આ સમસ્યાને સુધારવા માટે પગલાં લેવા જાઈએ. નહિંતર, તે એક આખી પેઢી સાથે વિશ્વાસઘાત છે. આપણે આ માટે ફક્ત સરકારને જ દોષી ઠેરવી શકીએ છીએ.”
તેમણે વધુમાં કહ્યું, “સરકાર, મંત્રાલય,એનટીએ અને આ પરિસ્થીતિ માટે જવાબદાર બધા જવાબદાર છે.” થરૂરે કહ્યું, “મારું માનવું છે કે વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની સરકાર સંપૂર્ણ જવાબદારી લે છે. આવું ફરી ક્યારેય ન થવું જાઈએ. આ પહેલી વાર નથી. પરંતુ તે છેલ્લું હોવું જાઈએ.”
નીટ યુજી ૨૦૨૬ પરીક્ષાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે થરૂરની ટિપ્પણી આવી છે. પેપર લીક અને વહીવટી બેદરકારીના આરોપોને પગલે પરીક્ષાનું સમયપત્રક ૨૧ જૂને ફરીથી નક્કી કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન આ મામલાની તપાસ કરી રહી છે અને અનેક ધરપકડો કરી છે. દરમિયાન, દેશના ઘણા ભાગોમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે.