વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવાર ૩૧ મેના રોજ યોજાનારી આઈપીએલ ૨૦૨૬ની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. પરંતુ આ ઉત્સાહનો ગેરલાભ ઉઠાવીને ટિકિટોની કાળાબજારી કરનારાઓ પર અમદાવાદ પોલીસે સખત કાર્યવાહી કરી છે.પોલીસે શહેરમાંથી કુલ ૭ આરોપીઓને અલગ-અલગ દરોડા પાડીને ઝડપી લીધા છે. આમાં ચાંદખેડા પોલીસે ૫ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૨ માથાભારે કાળાબજારીયાઓની ધરપકડ કરી છે.
ફાઈનલ મેચની તમામ ટિકિટો ઓનલાઈન પ્લેટફોર્મ પર માત્ર કેટલાક જ મિનિટોમાં સોલ્ડ આઉટ થઈ ગઈ હતી. આ સ્થિતિમાં હજારો ક્રિકેટ પ્રેમીઓ ટિકિટ મેળવવા માટે વલખાં મારી રહ્યા હતા.આ પરિસ્થિતિનો લાભ લઈને કેટલાક અનસર્જિત તત્વોએ સોશિયલ મીડિયા અને સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં સક્રિય થઈને કાળાબજારી શરૂ કરી દીધી હતી.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ અસલી કિંમત કરતાં ૪ થી ૫ ગણા વધુ ભાવે ટિકિટો વેચી રહ્યા હતા. એક ટિકિટ માટે હજારો રૂપિયા વધારાની માંગણી કરવામાં આવતી હતી, જેના કારણે મજબૂર ચાહકોને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું હતું.
ચાંદખેડા પોલીસને મળેલી ખાસ બાતમીના આધારે સપાટો બોલાવીને ૫ આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચએ અલગથી ગુપ્ત માહિતીના આધારે ૨ મુખ્ય આરોપીઓને દબોચી લીધા.પોલીસે તમામ આરોપીઓ પાસેથી અસલ આઈપીએલ ફાઈનલ ટિકિટો, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ આરોપીઓ સામે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમની આકરી પૂછપરછ ચાલુ છે.