એસટી નિગમની ગ્રામીણ બસ સેવાઓમાં મુસાફરો અને સ્ટાફની સગવડતા જળવાય તે માટે રૂટ વ્યવસ્થામાં સમયાનુકૂળ ફેરફારો કરવા જરૂરી બને છે, જે અંતર્ગત અમરેલી-બરવાળા બાવીસી બસના રાત્રિ રોકાણના સ્થળમાં ફેરફાર કરવાની લોક માંગ ઉઠી છે. અમરેલી ડેપોની આ બસ હાલ બરવાળા બાવીસી ગામે રાત્રિ રોકાણ કરે છે અને સવારે ૬ઃ૦૦ કલાકે મોટી કુકાવાવ ખાલી ફેરો કરીને આવે છે. જોકે, બરવાળા ખાતે ડ્રાઈવર-કંડક્ટરને આરામની પૂરતી સુવિધા ન હોવાથી તેમણે મંદિરમાં રોકાવું પડે છે. બીજી તરફ, સવારનો ફેરો અનિયમિત રહેતા મોટી કુકાવાવથી બરવાળા બાવીસી જતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ બસનું રાત્રિ રોકાણ મોટી કુકાવાવ એસટી બસ સ્ટેશન ખાતે લંબાવવાની માંગ કરાઈ છે.











































