અયોધ્યા સ્થિત રામમંદિરના દાનમાં કરોડો રૂપિયા ગાયબ થઈ હોવાના ગંભીર આક્ષેપ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કર્યા છે. તેમણે કોર્ટને આ મામલાને ધ્યાનમાં લેવા પણ વિનંતી કરી છે. આ આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે આંતરિક ઓડિટ ચાલી રહ્યું છે, અને તેમાંથી અત્યાર સુધી કંઈપણ ખોટું બહાર આવ્યું નથી.”અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટ દ્વારા આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે તેને વિશ્વભરના રામ ભક્તો માટે ‘અત્યંત સંવેદનશીલ’ ગણાવ્યું હતું.
અખિલેશ યાદવે કહ્યું કે આ સ્થિતિ મંદિર ટ્રસ્ટ માટે ‘અત્યંત શરમજનક’ છે. રામ મંદિરને આપવામાં આવેલા દાનમાંથી કરોડો રૂપિયા ગાયબ થવા તે ખૂબ જ સંવેદનશીલ સમાચાર છે. આ સાથે સમાજવાદી પાર્ટીના પ્રમુખે મંદિર ટ્રસ્ટ અને સરકારના મૌન પર સવાલો ઉઠાવીને કહ્યું કે, સરકારનું મૌન ‘શંકાસ્પદ’ જણાય છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ આ કથિત ગેરરીતિને જાહેર ચિંતાનો વિષય ગણાવ્યો અને ઉમેર્યું કે, રામમંદિર જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ માટે આ અત્યંત શરમજનક સ્થિતિ છે. કોઈ પણ વ્યક્તિ આગળ આવીને સ્પષ્ટતા આપવા તૈયાર નથી.
અખિલેશ યાદવે એમ પણ કહ્યું કે આ મુદ્દો વિશ્વભરના સનાતની સમુદાયની ભગવાન રામમાં રહેલી ઊંડી આસ્થા સાથે જોડાયેલો છે. એટલે કોર્ટે આ મામલે સ્વતઃ સંજ્ઞાન લેવું જોઈએ. અખિલેશ યાદવે રામ મંદિર ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશ સરકારના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આ ગંભીર આરોપ પર કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા મળી નથી.








































