બાબરાના લાલકા ગામે ખેડૂતને ગાળો આપીને ધમકી અપાઈ હતી. ખોડુભાઇ બચુભાઇ ગીડા (ઉ.વ.૫૨)એ કુલદિપભાઈ માત્રાભાઈ ગીડા, માત્રાભાઈ દેહાભાઈ ગીડા તથા દિલીપભાઈ ભગુભાઈ ખાચર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, માત્રાભાઈ દેહાભાઈ ગીડાએ લાલકા ગામમાં આવેલી સરકારી ખરાબાની ગૌચરની જમીનમાં દબાણ કર્યું હોય, તેવી અરજી તાલુકા પંચાયત બાબરા ખાતે ફરિયાદીના બનેવી વલકુભાઇ વાસકુરભાઇ ખાચરે (રહે. કારિયાણી, તા.જી. બોટાદ) કરી હતી.આ અરજી ફરિયાદીના કહેવાથી જ થઈ છે, તેવી શંકા રાખીને આ બાબતનો ખાર રાખી કુલદિપભાઈ ગીડાએ તેમને જેમ ફાવે તેમ ખરાબ શબ્દોમાં બીભત્સ ગાળો આપી, ઢીકાપાટુ તથા લાકડી વડે માર મારી મૂઢ ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજા આરોપી માત્રાભાઈ દેહાભાઈ ગીડા તથા દિલીપભાઈ ભગુભાઈ ખાચરે લોખંડની પાઇપ લઈ સાહેદ યુવરાજભાઇને માર મારવા દોડ્યા હતા, તેમજ બીભત્સ શબ્દોમાં ગાળો આપી, લાફા મારી મૂઢ ઇજા કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.










































