રાજુલા તાલુકાના ડુંગર ગામે કલ્યાણનગરમાં રહેતા ૫૦ વર્ષીય પ્રવિણભાઇ દુલાભાઇ સંપટે મહુવાના દિલીપભાઇ સુનીલભાઇ ગાજરીયા વિરુદ્ધ હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની દીકરી રિંકલબેન આરોપી દિલીપભાઇ સાથે ફોન પર વાત કરતી હોવાથી, પિતા પ્રવિણભાઇએ તેની પાસેથી ફોન લઈ લીધો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને, જ્યારે ફરિયાદી મોટરસાયકલ લઈ પેટ્રોલ પુરાવવા જઈ રહ્યા હતા ત્યારે જીનના ખૂણા પાસે આરોપીએ એક્ટિવા પર આવી તેમને આંતર્યા હતા.
‘તેં કેમ તારી દીકરી પાસેથી ફોન લઈ લીધો?’ તેમ કહી આરોપીએ ગાળો ભાંડી હતી. ફરિયાદીએ
ગાળો બોલવાની ના પાડતા આરોપીએ લોખંડના પાઇપ વડે પ્રવિણભાઇના માથામાં જમણી બાજુ કાનની ઉપર ઘા મારી દીધો હતો, જેના કારણે તેમને બે ટાંકા આવ્યા હતા. આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો.