અમરેલીના લાઠી રોડ પર આવેલા ધરમનગર મેઈન રોડ પર હાલ કચરાના મોટા ગંજ ખડકાયા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં લાંબા સમયથી કોઈ સફાઈ કામદારો આવતા નથી. માત્ર ધરમનગર જ નહીં, પરંતુ તેની આજુબાજુ આવેલી માધવનગર, પ્રમુખસ્વામી નગર, નાગનાથ સોસાયટી, શિવમ સોસાયટી, શ્રીજી સોસાયટી અને વલ્લભનગર સોસાયટીમાં પણ સફાઈની પરિસ્થિતિ અત્યંત દયનીય છે. ચારેય તરફ ગંદકી અને કચરાના ઢગલા થવાને કારણે સ્થાનિકોમાં ભયંકર રોગચાળો ફેલાવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. આ બાબતે તંત્ર દ્વારા તાકીદે યોગ્ય પગલાં ભરીને નિયમિત સફાઈ કરાવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.









































