અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાડીઓને નિશાન બનાવતી તસ્કર ટોળકી સક્રિય થઈ હોય તેમચોરીના ત્રણ અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. તસ્કરોએ ચક્કરગઢ રોડ અને બાયપાસ ચોકડી નજીક આવેલી વાડીઓમાંથી સબમર્શિયલ મોટરના કિંમતી કોપર વાયર અને પંખા મળી કુલ રૂ. ૬૨,૮૦૦ ના મુદ્દામાલની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો હતો.
ચોરીનો પહેલો બનાવ ચક્કરગઢ રોડ પર પાણાખાણ વિસ્તારમાં રાધેશ્યામ મિલની પાછળ આવેલી વાડીમાં બન્યો હતો. જ્યાં ગત તા. ૩૦/૦૫ના રોજ સાંજે સાડા પાંચથી તા. ૩૧/૦૫ના સવારના ગાળામાં કોઈ અજાણ્યો ચોર ઈસમ વાડીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો. તસ્કરે બોર (દાર)ની બહાર રાખેલો આશરે ૨૮૦ ફૂટ લાંબો કોપર વાયર, જેની કિંમત રૂ. ૨૮,૦૦૦ થાય છે, તેની ચોરી કરી નાસી છૂટ્યો હતો.
આ જ વિસ્તારમાં ચક્કરગઢ રોડ, પાણાખાણવાળા રસ્તે આવેલી અન્ય એક વાડીઓને પણ તસ્કરોએ એ જ રાત્રિ દરમિયાન નિશાન બનાવી હતી. ત્યાંથી સબમર્શિયલ મોટર સાથે જોડેલો કુલ ૧૯૫ ફૂટ કોપર વાયર (કિંમત રૂ. ૧૯,૫૦૦) ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે ચોરીનો ત્રીજો બનાવ તા. ૨૦/૦૫ના રોજ બપોરના સમયે અમરેલી બાયપાસ ચોકડી પાસે મહિન્દ્રા ટ્રેક્ટરના શો-રૂમની સામે આવેલી વાડીમાં બન્યો હતો. ત્યાંથી તસ્કરો રૂ. ૧૨,૦૦૦ની કિંમતનો ૨૫૦ ફૂટ ફોર એમ.એમ.નો કોપર વાયર તથા ૪૦૦ ફૂટ કેબલ વાયરનું જૂનું બંડલ ચોરી ગયા હતા. આ ઉપરાંત વાડીમાંથી બંધ હાલતના ૩ સીલિંગ ફેન અને ૫ એક્ઝિટ ફેન મળી કુલ રૂ. ૧૫,૩૦૦ના માલમત્તાની ચોરી થઈ હતી. ખેડૂતોની ફરિયાદના આધારે અમરેલી પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
અમરેલી સીટી પોલીસે કેબલ ચોરીના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ વીસેક વાડી-ખેતરમાંથી મોટરના કોપર વાયરની ચોરી કરતા શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે ત્રણ આરોપીઓને રૂ.૬૯૪૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અણઉકેલ ગૂનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બળદેવભાઈ ભગાભાઈ સોલંકી, રાહુલ રમેશ સોલંકી, અને ચિરાગ કરમશી પરમાર ત્રણેય રહે. રોકડીયા પરા અમરેલીવાળા હોવાનું ખુલવા પામ્યુ છે. પોલીસે તેમની પાસેથી કોપર વાયર ભરેલ પ્લાસ્ટીકના બાચકા નં.૦૩, એક લાકડાનો હાથાવાળો કુહાડો, એક છરી અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો.








































