વડીયા તાલુકાના મેઘા પીપળીયા ગામના હાર્દિકભાઈ જગુભાઈ બોરીચા દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી છે. તેઓ પોતાની ફોરવ્હીલ ગાડી (નંબર GJ-૧૬-BK-૪૦૦૪) લઈને ઢસા ગામથી ઘરે પરત ફરી રહ્યા હતા. ચાવંડ ગામે હાઈવે રોડ પર નકળંગ કોઠી આઈસ્ક્રીમની દુકાન પાસે આરોપી મનોજ ડેર (રહે. ચાવંડ, તા. લાઠી) પોતાનું મોટરસાયકલ સામે લાવ્યો હતો. વાહન સામસામે આવી જતાં આરોપીએ ઉશ્કેરાઈને ગાળો આપી હતી.
આરોપી મનોજ તથા ત્યાં હાજર અન્ય ત્રણ અજાણ્યા માણસોએ ભેગા મળીને ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ મુખ્ય આરોપીએ લાકડી વડે હુમલો કરતાં ફરિયાદીના ડાબા હાથની બીજી આંગળી પર ઈજા થઈ હતી. આ ઝપાઝપી દરમિયાન ફરિયાદીના ખિસ્સામાંથી આશરે રૂ.૬૦૦૦/- નીચે પડી જતાં આરોપીએ તે પડાવી લીધા હતા. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી, ગુનામાં એકબીજાની મદદગારી કરી તેમજ હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા આ મામલે અનાર્મ હેડ કોન્સ્ટેબલ કે.એન.ગરૈયા તપાસ ચલાવી રહ્યા છે.










































