મુંબઈના વિલેપારલે સ્થિત મુકેશ પટેલ ઓડિટોરિયમ ખાતે ૨૪ મે ૨૦૨૬ના રોજ શ્રી રાજુલા પુંજાબાપુ પાંજરાપોળ અને કપોળ વણિક સમાજ દ્વારા ગૌમાતાના લાભાર્થે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. અધિક માસના પાવન પર્વે આયોજિત આ ડાયરામાં જાણીતા કલાકારો સાંઈરામ દવે, ધર્મેશ બારોટ અને સુનિલ સોનીએ ભક્તિરસની જમાવટ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. પાંજરાપોળમાં આશ્રિત ૯૨૫ બીમાર અને અશક્ત ગાયોના નિભાવ માટે આ કાર્યક્રમમાં લાખો રૂપિયાનું માતબર દાન એકત્ર થયું હતું. આ પ્રસંગે મુંબઈના અગ્રણીઓ વિનેશભાઈ મહેતા, દીપકભાઈ વોરા સહિત રાજુલાના સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.