અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયાએ કાર્યભાર સંભાળ્યા બાદ પાલિકાના વહીવટી તંત્રમાં શિસ્ત અને પારદર્શિતા લાવવા કડક વલણ અપનાવ્યું છે. પ્રમુખ વૈશાલીબેન માગરોળિયા, ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ, કારોબારી ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ નગરપાલિકા કચેરીની સરપ્રાઈઝ વિઝીટ લઈ વિવિધ શાખાઓનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન કેટલાક કર્મચારીઓ ફરજ પર ગેરહાજર હોવાનું તેમજ કામગીરીમાં બેદરકારી જોવા મળતા પ્રમુખશ્રીએ કડક નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ તમામ કર્મચારીઓને સમયપાલન અને જવાબદારીપૂર્વક કામગીરી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે નગરપાલિકા પ્રજાની સેવા માટેની સંસ્થા છે અને નાગરિકોના કામમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે વિલંબ સહન કરવામાં આવશે નહીં. ફરજ દરમિયાન ગેરહાજર રહેલા કર્મચારીઓની યાદી તૈયાર કરી નિયમ મુજબ કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત પાલિકામાં આવતા નાગરિકોને સમયસર અને સરળતાથી સેવા મળે તે માટે તમામ વિભાગોને વધુ જવાબદારીપૂર્વક કાર્ય કરવાની તાકીદ કરવામાં આવી હતી. પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ આવી ઓચિંતી તપાસો ચાલુ રહેશે અને ફરજમાં કચાશ રાખનાર સામે કડક પગલાં લેવામાં આવશે. નગરપાલિકા પ્રમુખ અને પદાધિકારીઓની આ સરપ્રાઈઝ વિઝીટથી પાલિકા કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને વહીવટી તંત્રમાં શિસ્ત લાવવાની કામગીરી વધુ તેજ બની હોવાનું જોવા મળ્યું હતું.









































