રાજકોટ શહેરમાં ફરી એકવાર હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલા શિવાલિક એપાર્ટમેન્ટમાં પતિએ પોતાની પત્નીની હથોડીના ઘા મારી હત્યા કરતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શિવાલિક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૧૦૨માં રહેતા અલ્તાફભાઈ લાલાણી અને તેમની પત્ની શિલ્પાબેન વચ્ચે કોઈ કારણસર ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વધી ગઈ કે આવેશમાં આવેલા અલ્તાફભાઈએ પત્નીના માથાના ભાગે હથોડી વડે હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે શિલ્પાબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખીને ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ સહિત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ઘરેલુ ઝઘડાના કારણે હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે, જાકે પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. આરોપી પતિની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની આ બીજી ઘટના છે. ગત ૨૫ મેના રોજ શાસ્ત્રીનગર વિસ્તારમાં પૌત્રએ પોતાના દાદાની બોથડ પદાર્થ વડે હત્યા કરી હતી. સતત સામે આવી રહેલી હત્યાની ઘટનાઓને કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતિને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે..