ચલાલામાં સોશિયલ મીડિયાના કારણે વધુ એક ઘર સંસારમાં ભંગાણ પડ્‌યાનો અને પરિણીતા પર અત્યાચાર ગુજારાયાનો કિસ્સો સામે આવ્યો છે. લગ્નજીવન દરમિયાન પતિ અન્ય સ્ત્રીઓ સાથે સોશિયલ મીડિયા પર વાતચીત કરતો હોવાની અને લગ્નેતર સંબંધો ધરાવતો હોવાની જાણ પત્નીને થતાં, તેણે આ બાબતે વિરોધ કર્યો હતો. જેનાથી ઉશ્કેરાઈને પતિએ પત્નીને માનસિક ત્રાસ આપી, બીભત્સ ગાળો ભાંડી તેમજ ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ સંદર્ભે હાલ સાવરકુંડલામાં રહેતાં ક્રિષ્નાબેન સુરેશભાઇ જાદવ (ઉ.વ.૨૭)એ ચલાલામાં રહેતા પતિ ચિરાગ ભીખુભાઇ તેરૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, લગ્નજીવન દરમિયાન તેનો પતિ અન્ય અજાણી સ્ત્રીઓ સાથે સતત સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં રહેતો હતો અને તેમની સાથે લગ્નેતર સંબંધો ધરાવતો હતો. પતિની આ કરતૂતોની જાણ ફરિયાદી પત્નીને થતાં, તેણે ઘર બચાવવાના હેતુથી પતિને આવી પરસ્ત્રીઓ સાથે સંબંધ ન રાખવા સ્પષ્ટ ના પાડી હતી. જેથી પતિએ બીભત્સ શબ્દોમાં જેમ ફાવે તેમ ગાળો આપી, શરીરે મૂઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.