બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હવે માત્ર રાજકીય પ્રક્રિયા નહીં પરંતુ હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામામાં ફેરવાઈ ગઈ છે… કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતિ હોવા છતાં સત્તાની ખુરશી હજુ અધૂરી છે… ચૂંટણીની તારીખો પર તારીખો પડી રહી છે… બબાલ, આક્ષેપો, વીડિયો વાયરલ અને રાજકીય ઘર્ષણ વચ્ચે આખું ગુજરાત હવે એક જ સવાલ પૂછે છે… આખરે દિયોદર તાલુકા પંચાયતનો તખ્તો કોના હાથમાં જશે?… જુઓ આ ખાસ અહેવાલ….
દિયોદર તાલુકા પંચાયત… જ્યાં ૨૨ બેઠકોમાંથી કોંગ્રેસે ૧૨ બેઠકો જીતી સ્પષ્ટ બહુમતિ મેળવી… જ્યારે ભાજપના ખાતામાં ૧૦ બેઠકો ગઈ… આંકડાઓ કોંગ્રેસના પક્ષમાં હોવા છતાં સત્તા સુધીનો રસ્તો સતત અટવાઈ રહ્યો છે…
પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે પ્રથમ સામાન્ય સભા ૨૫ મેના રોજ બોલાવવામાં આવી હતી. પરંતુ ચૂંટણી શરૂ થાય તે પહેલાં જ તાલુકા પંચાયત કચેરી રાજકીય અખાડામાં ફેરવાઈ ગઈ… ભાજપ અને કોંગ્રેસના સભ્યો આમને-સામને આવી ગયા… ધક્કામુક્કીથી મામલો એટલો ઉગ્ર બન્યો કે ચૂંટણી અધિકારીના કપડા ફાટી ગયા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો…
આ હંગામા બાદ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી અને ફરી ૨૭ મેના રોજ નવી તારીખ જાહેર થઈ… પરંતુ આજે પણ દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં આખો દિવસ રાજકીય સસ્પેન્સ ચાલતું રહ્યું… સભ્યો હાજર રહ્યા… આગેવાનો પણ પહોંચી ગયા… પરંતુ ચૂંટણી અધિકારી સમયસર ન પહોંચતા ફરી ચૂંટણી અટકી ગઈ હતી.
ચૂંટણી અધિકારી ડી.એન. કાછડ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ હોવાનું સામે આવતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો… અનેક કલાકોની રાહ છતાં પ્રક્રિયા શરૂ ન થતા કોંગ્રેસે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા…
કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સત્તા મેળવવા માટે લોકશાહીની હત્યા કરી રહ્યું છે… કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે… અને ચૂંટણી અધિકારી ભાજપના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. બીજી તરફ ભાજપે કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવ્યા છે… પ્રદેશ ભાજપ પ્રવક્તા ડાક્ટર અનિલ પટેલે કોંગ્રેસને જ લોકશાહી પર પાઠ ન ભણાવવાની સલાહ આપી…
એક તરફ બહુમતિ ધરાવતી કોંગ્રેસ… બીજી તરફ સત્તા બચાવવા માટે પ્રયાસરત ભાજપ… અને વચ્ચે વારંવાર મોકૂફ થતી ચૂંટણી… દિયોદર તાલુકા પંચાયત હવે સમગ્ર ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે… હવે જોવું રહ્યું કે રાજકીય ખેંચતાણ વચ્ચે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરશી પર કોણ બેસે છે? અને દિયોદરની આ રાજકીય ગૂંચવણનો અંત ક્યારે આવે છે?










































