સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઝીંઝવા ગામમાં આવેલ મહાકાળી મંદિરના મહંત પૂર્ણાનંદ સ્વામીની સાત મહિના અગાઉ થયેલી નિર્દય હત્યાનો આખરે ઈડર પોલીસે ભેદ ઉકેલી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે. લૂંટના ઇરાદે મંદિરમાં ઘૂસેલા પાંચ યુવકોએ મહંત જાગી જતા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. સાત મહિના સુધી અંધારામાં રહેલો આ કેસ હવે પોલીસની ટેકનીકલ તપાસ, સર્વિલન્સ, એસઓજી, એલસીબી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ખુલ્યો છે.
મુખ્ય આરોપી હિમેશ ઉર્ફે માર્ટિન અન્સારીની ધરપકડ બાદ માત્ર મહંત હત્યાનો જ નહીં પરંતુ થોડા દિવસ અગાઉ બનેલી બીજી એક યુવક હત્યાનો પણ ભેદ ખુલતા ઈડર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા પાંચેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે તમામ આરોપીની ઈડર પોલીસે ધરપકડ કરી છે.
ઓક્ટોબર ૨૦૨૫ની વરસાદી રાત્રે ઝીંઝવા અને રેવાસ ગામની વચ્ચે આવેલ મહાકાળી મંદિરની મઢૂલીમાં લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમ હોવાની બાતમી મળતાં પાંચેય યુવકોએ અગાઉથી જ ચોરીનું કાવતરું રચ્યું હતું. રાત્રિના અંધકારમાં આરોપીઓ મંદિર સુધી પહોંચ્યા હતા અને મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન ભારે પવનના કારણે મંદિરના દરવાજા અથડાતા અવાજ થયો અને અંદર સૂતા મહંત પૂર્ણાનંદ સ્વામી જાગી ગયા હતા.
મહંત જાગતા જ આરોપીઓ ગભરાઈ ગયા અને ચોરીનો ભાંડો ફૂટી ન જાય તે માટે મહંત પર છરી વડે હુમલો શરૂ કર્યો હતો. આરોપીઓએ ગળાના તેમજ પીઠના ભાગે ઉપરા ઉપરી ઘા ઝીંકતા મહંત લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ત્યારબાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે મંદિરના મહંતની હત્યાની ખબર ફેલાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
ઇડર ડીવાયએસપી, સ્મિત ગોહિલ એ જણાવ્યું કે, “આ હત્યાના ગુનાને ઉકેલવા ઈડર પોલીસે એસઆઈટી બનાવી સતત સાત મહિના સુધી અલગ અલગ દિશામાં તપાસ શરૂ રાખી હતી. પોલીસ દ્વારા ટેકનીકલ સર્વિલન્સ, મોબાઈલ લોકેશન, હ્યુમન રિસોર્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન થોડા દિવસ અગાઉ ઝાંઝરી બોર્ડર નજીક થયેલી એક યુવક હત્યાની તપાસ દરમિયાન સમગ્ર મામલામાં મોટો વળાંક આવ્યો હતો. વાસડોલ ગામના યુવક રાહુલ વાઘેલા સાથે પાર્ટી દરમિયાન થયેલી બોલાચાલીમાં મુખ્ય આરોપી હિમેશ ઉર્ફે માર્ટિન અન્સારીએ યુવકની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.”
ઈડર પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, હિમેશ કચ્છ જિલ્લામાં ખાનગી કંપનીમાં સિક્્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યો છે. પોલીસે કચ્છ જિલ્લા માંથી તેને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર આરોપી આખરે કડક પૂછપરછમાં તૂટી પડ્યો અને ઝીંઝવા મહાકાળી મંદિર હત્યાકાંડમાં પોતાનો હાથ હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે અન્ય સાથીદાર યુવક મિત્રો રોહિત જુજારજી વણઝારા, અંકુર કાંતીભાઈ પાંડવ, રવિ ઉર્ફે જાની વાઘેલા અને જીતેન્દ્ર ઉર્ફે જેકી અસોડાને પણ ઝડપી પાડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે પાંચેય આરોપીઓએ મળીને ચોરી અને લૂંટના ઇરાદે સમગ્ર કાવતરું ઘડ્યું હતું અને ચોરી દરમિયાન મહંત જાગી જતા હત્યા કરી હતી.જે આરોપીઓની ધરપકડ કરાઇ છે તેમાં હિમેષ ઉર્ફે માર્ટીન પ્રકાશભાઇ અસારી (રહે.વેજપુર, તા.ભિલોડા જી.અરવલ્લી) રોહિત જુજારજી વણઝારા (રહે.મુડેટી પાટીયા, તા.ઈડર, જી.સાબરકાંઠા) અંકુર કાંતીભાઇ પાંડવ (રહે.ઝુમસર છાપરા, તા.ભિલોડા જી.અરવલ્લી) રવિ ઉર્ફે જાની ભરતભાઇ વાઘેલા (રહે.ચિત્રોડા, તા.ઈડર, જી.સાબરકાંઠા)
જીતેન્દ્ર ઉર્ફે જેકી રામજીભાઇ (અસોડા રહે.સારણ મલાસા, તા.ભિલોડા જી.અરવલ્લી પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે, મુખ્ય આરોપી હિમેશ ઉર્ફે માર્ટિન અન્સારી અગાઉથી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના સામે ભિલોડા સહિત અન્ય પોલીસ મથકોમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અન્ય આરોપીઓ સામે પણ મારામારી, પ્રોહિબિશન અને અન્ય ગુનાઓની વિગતો બહાર આવી રહી છે. પોલીસ હવે આરોપીઓના જૂના ગુનાઓ તેમજ અન્ય કોઈ ગુનાહિત ગેંગ સાથે સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે.










































