વિંછીયાના છાસીયા ગામે ગત સાંજે એક સામાન્ય દિવસ અચાનક લોહિયાળ બની ગયો. મૃતક મનસુખ મકવાણા પોતાના સાસરી પક્ષના ઓરી ગામે ઇમિટેશનનું કામ આપી મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા. સાંજે સવા છ વાગ્યાના અરસામાં તેઓ છાસીયા બસ સ્ટેન્ડ નજીક કિસાન ટ્રેડર્સ દુકાન પાસે પહોંચ્યા ત્યારે આરોપી રમેશ ઉર્ફે ભટુ જાગરાજીયાએ તેમને રસ્તામાં આંતરી લીધા હતા. જૂની અદાવતનો ખાર રાખી આરોપીએ મનસુખભાઈ પર લોખંડની પાઇપ વડે તાબડતોબ હુમલો કર્યો હતો. માથાના ભાગે જીવલેણ ઘા વાગતા મનસુખભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આસપાસના લોકો દોડી આવ્યા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને વિંછીયા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ સમગ્ર ઘટનાના મૂળમાં વર્ષ ૨૦૨૪ની જૂની માથાકૂટ હોવાનું સામે આવ્યું છે. અગાઉ આરોપી ભટુએ મનસુખભાઈ સાથે ઝઘડો કરી તેમના નાક પર બટકું ભર્યું હતું. એટલું જ નહીં, વચ્ચે પડેલા તેમના વૃદ્ધ માતા-પિતાને પણ પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. જે અંગે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.પરંતુ ફરિયાદ પાછી ન ખેંચતા આરોપી સતત મનસુખભાઈને ધમકીઓ આપતો રહ્યો હતો. “તારી પત્નીને બળજબરીથી લઈ જઈશ” કહી પરિવારને ડરાવતો હતો. આરોપીએ અગાઉ મનસુખભાઈની વાડીએ આવેલું મકાન પણ સળગાવી દીધું હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.
મનસુખભાઈ ખેતીકામ અને ઇમિટેશન મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારના એકમાત્ર કમાનાર સભ્યની હત્યાથી આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ૧૪ વર્ષની દીકરી અંજલી અને ૧૦ વર્ષના પુત્ર આશિષના માથે પરથી પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજકોટ ગ્રામ્ય એસપી, ડીવાયએસપી સહિત વિંછીયા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.
વિંછીયા તાલુકાના છાસીયા ગામમાં બે લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં જસમતભાઈ ઉર્ફે મનસુખભાઈ માવજીભાઈ મકવાણાનું મૃત્યુ થયું છે. ઘટના બાદ તરત જ એએસપી, લોકલ પોલીસ અને એલસીબીની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી બટુક જાગરાજીયાને હાલ ડિટેઈન કરવામાં આવ્યો છે અને પૂછપરછ ચાલુ છે. પોલીસે આરોપી રમેશ ઉર્ફે ભટુ જાગરાજીયા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ એક સામાન્ય અદાવત આખરે હત્યા સુધી પહોંચતા છાસીયા ગામમાં ભય અને શોકનો માહોલ છવાઈ ગયો છે.