અમરેલી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સલાહકાર સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ના કડક અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં બાકી રહેલી વહીવટી કાર્યવાહીને વેગ આપવા અને નવા ક્લિનિકના રજિસ્ટ્રેશનને મંજૂરી આપવા જેવા મહત્વના નિર્ણયો લેવાયા હતા. આ કાયદા હેઠળ સ્ત્રી ભ્રૂણ ગર્ભ પરીક્ષણ અને તેને લગતા તમામ બિનઅધિકૃત કૃત્યો પર સંપૂર્ણ પ્રતિબંધ છે, તેમજ તેનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની જોગવાઈ છે. બેઠક દરમિયાન સમાજમાં દીકરીઓની સંખ્યા વધે તે હેતુથી તાલુકા કક્ષાએ વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમો યોજવા અને જિલ્લાના દરેક રજિસ્ટર્ડ ક્લિનિકનું સમયસર વેરિફિકેશન કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અમરેલીના પ્રમુખ ડા. ગજેરા સહિત સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.










































