બકરી ઈદના તહેવાર નિમિત્તે જિલ્લામાં કાયદો, વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની વિવિધ કલમો હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમ તા. ૨૮.૦૫.૨૦૨૬ સુધી અમલી રહેશે. જાહેરનામા અનુસાર, જિલ્લામાં શસ્ત્રો, તલવાર, બંદૂક કે ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે રાખવા તેમજ વિસ્ફોટક પદાર્થો લઈ જવા પર પ્રતિબંધ છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી વિના સભા ભરવા કે સરઘસ કાઢવા પર અને તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરવાનગી વગર લાઉડસ્પીકર વગાડવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ નિયમો સરકારી ફરજ પરના કર્મચારીઓ, વરઘોડા અને સ્મશાન યાત્રાને લાગુ પડશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ ૧૩૧ અને ૧૩૫ હેઠળ કડક કાર્યવાહી થશે.