અમરેલી એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા શહેર અને જિલ્લામાં ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૨૬ દરમિયાન વિવિધ ટીમોએ નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરી કુલ રૂ. ૯૬,૪૫,૯૯૪નો દંડ વસૂલ્યો હતો. આ કામગીરીમાં ગેરકાયદે એલ.ઈ.ડી. લાઈટ્‌સના ૨૪૯ કેસ, નંબર પ્લેટ વગરના ૧૧૨ અને ઓવર સ્પીડના ૧૫૬૯ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ઓવરલોડ અને ઓવર ડાયમેન્શન વાહનો સામે પણ નોંધપાત્ર દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર ઝુંબેશ દરમિયાન કુલ ૪,૨૩૬ કેસો નોંધવામાં આવ્યા હતા. આર.ટી.ઓ. તંત્રના આ કડક પગલાંનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતો ઘટાડી નાગરિકોની સુરક્ષા વધારવાનો અને ટ્રાફિક શિસ્ત જાળવવાનો છે.