અમરેલી જિલ્લામાં આર.ટી.ઓ. વિભાગ દ્વારા જનજાગૃતિ લાવવા માટે રોડ સેફ્ટીની વિવિધ પ્રવૃત્તિઓ વેગવંતી બનાવવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે ગતરોજ લાઠી માર્કેટિંગ યાર્ડ ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રેક્ટર, સનેડા, ટ્રેલર અને છકડા જેવા આશરે ૫૦ જેટલા વાહનો પર વિનામૂલ્યે લાલ અને પીળા રંગના રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા. જિલ્લાના તમામ તાલુકા મથકોના એ.પી.એમ.સી. ખાતે આવા કેમ્પ યોજવાનું આયોજન છે. ગ્રામ્ય વિસ્તારના સાંકડા રસ્તાઓ પર રાત્રિના સમયે પૂરતી લાઈટ હોતી નથી અને ખેતીવાડીના વાહનોમાં પાછળની લાઈટોનો અભાવ હોય છે, જેના કારણે પાછળથી આવતા ઝડપી વાહનોને તે દેખાતા નથી અને ગંભીર અકસ્માતો સર્જાય છે. આ પટ્ટા લગાવવાથી રાત્રિના અંધકારમાં વાહનોની દૃશ્યતા વધશે અને સંભવિત જીવલેણ અકસ્માતો નિવારી શકાશે તેવું એ.આર.ટી.ઓ. અધિકારીની યાદીમાં જણાવાયું છે.










































